ચોક્સીનું નવું બહાનું, કહ્યું- 41 કલાકની મુસાફરી કરી ભારત ન આવી શકું

25 December, 2018 03:03 PM IST  | 

ચોક્સીનું નવું બહાનું, કહ્યું- 41 કલાકની મુસાફરી કરી ભારત ન આવી શકું

પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી (ફાઇલ)

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ ફરી એક નવું બહાનું રજૂ કરીને ભારત પાછા ફરવામાં અસમર્થતા દર્શાવી છે. આ વખતે ચોક્સીએ બીમારીનો હવાલો આપ્યો અને કહ્યું છે કે તે ભારત આવવા માટે 41 કલાક જેટલી લાંબી મુસાફરી કરી શકે તેમ નથી.

ચોક્સીએ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પર જાણીજોઇને તેના ખરાબ સ્વાસ્થ્યની જાણકારી ન આપવા અને તપાસને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા જવાબમાં ચોક્સીએ એમ પણ કહ્યું છે કે તે સતત બેંકોના સંપર્કમાં છે અને મામલાનો ઉકેલ લાવવા માંગે છે. ચોક્સીએ એમ પણ કહ્યું છે કે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસમાં સામેલ થવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇન્ટરપોલે મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. મેહુલ અત્યારે એન્ટિગુઆમાં રહે છે. તેણે 2017માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું હતું. જણાવી દઈએ કે 13,400 કરોડના પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં મેહુલ ચોક્સી અને નીરવ મોદી વિરુદ્ધ ઈડી અને સીબીઆઇએ મામલો નોંધ્યો છે. સમન્સ મોકલવા છતાં ઇડી સમક્ષ હાજર નહીં થવા પર જ્યાં તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો ત્યારે તેની ઘણી સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી.

Nirav Modi