મેં જે લોકોની બ્લેકમની રોકી તેઓ વેર વાળવા એક થઈ રહ્યા છે: મોદી

16 January, 2019 07:50 AM IST  | 

મેં જે લોકોની બ્લેકમની રોકી તેઓ વેર વાળવા એક થઈ રહ્યા છે: મોદી

સાફ વાત: ઓડિશાના બલાંગીરમાં જાહેર સભાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

ઓડિશાના બલાંગીરમાં જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને BSPના ગઠબંધન પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ‘મોદીને રસ્તામાંથી હટાવવાના ઉદ્દેશથી આ લોકો ભેગા થઈ રહ્યા છે. જેમની કમાણી મેં રોકી એ લોકો એક થઈ રહ્યા છે, પરંતુ આ ચોકીદાર ગરીબોની કમાણી લૂંટનારા દરેક ખેલને બંધ કરીને રહેશે. આજે દેશમાં મોદી વિરુદ્ધ કાવતરાં રચાઈ રહ્યાં છે, ખોટા આરોપો મુકાઈ રહ્યા છે.’

વડા પ્રધાને ઓડિશાના ઝારસુગડા ખાતે મલ્ટિ-મૉડલ લૉજિસ્ટિક પાર્ક (MMLP) તથા અન્ય યોજનાઓના લોકાર્પણ બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું. મોદીએ બલાંગીર અને બિચુપલી વચ્ચે નવી રેલવે-લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

વડા પ્રધાને છેતરપિંડી દ્વારા સરકારી ધનના દુરુપયોગ વિશે જણાવ્યું હતું કે ‘BJPની સરકાર સત્તા પર આવ્યા પછી છ કરોડથી વધારે બનાવટી રૅશનિંગ કાર્ડ, ગૅસ-કનેક્શન્સ, સ્કૉલરશિપ લાભાર્થીઓ તથા બનાવટી પેન્શનર્સને શોધી કાઢ્યાં છે. એ રૂપમાં સરકારી નાણાં વચેટિયાઓ હડપ કરી જતા હતા. કેન્દ્ર સરકાર ૨૪થી ૨૫ રૂપિયે કિલો ઘઉં ખરીદીને ફક્ત બે રૂપિયામાં અને ૩૦ રૂપિયે કિલો ચોખા ખરીદીને ત્રણ રૂપિયે કિલો ગરીબોને મળે એવી વ્યવસ્થા કરે છે, પરંતુ અમે પહોંચીએ એ પહેલાં વચેટિયાઓ ત્યાં પહોંચે છે.

આ પણ વાંચો : કુંભમાં રામમંદિરનું રાજકારણ: જો રામ કી બાત કરેગા, દેશ પર વહી રાજ કરેગા

અગાઉ કોઈ ગરીબ સસ્તું અનાજ લેવા પહોંચે ત્યારે તેમને કહેવામાં આવે છે કે બધું અનાજ વેચાઈ ગયું છે. એ વખતમાં એ છેતરપિંડી અને કાળાબજાર કરનારાઓને પૂછનારું કે રોકનારું કોઈ નહોતું. અમારી સરકારે એ બધું બંધ કરાવ્યું છે. સબસિડીના ૯૦,૦૦૦ કરોડ રૂપિયા લૂંટનારા લોકોની અમે ઊંઘ હરામ કરી છે એ તેમની આંખોમાં ખટકે છે. છેતરપિંડી અને કાળાબજારના પૈસે જલસા કરનારાઓ મારી સામે વેર વાળવા ઇચ્છે છે. ઓડિશાની BJD સરકાર પણ કેન્દ્ર સરકારની આદિવાસીઓનાં હિતોની યોજનાઓ આગળ વધવા દેવા ઇચ્છતી નથી.’

narendra modi odisha national news