PM મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે ચૂંટણી, ભાજપની યાદી જાહેર

21 March, 2019 08:39 PM IST  |  દિલ્હી

PM મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે ચૂંટણી, ભાજપની યાદી જાહેર

વડાપ્રધાન મોદી અને અમિત શાહ

ભાજપે લાંબી રાહ જોવડાવ્યા બાદ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપે 182 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, અસમ, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો બિહારની તમામ 17 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે. પી. નડ્ડાએ યાદી જાહેર કરતા કહયું કે તમામ ઉમેદવારો ફાઈનલ કરીને સ્ટેટ યુનિયનને મોકલી દેવાયા છે.

આ યાદી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતવિસ્તાર વારાણસીથી ચૂંટણી લડશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ લોકસભાની ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ સાથે ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે અડવાણીનું પત્તું કપાયું છે. ગાંધીનગર બેઠક માટે ગજગ્રાહ બાદ આખરે અમિત શાહને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો છે.

તો ગાઝીપુરથી મનોજ સિંહા, ગાઝિયાબાદથી જનરલ વી. કે. સિંહ, દાદરાનગર હવેલીથી નાથુભાઈ પટેલ, ઉન્નાવથી સાક્ષી મહારાજ, મૈસુરથી પ્રતાપ સિન્હા, સીતાપુરથી રાજેશ વર્મા, મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજન, બિકાનેર અર્જુન મેકવાલ, કોટાથી ઓમ બિરલા, સંતોષ ગંગવાર બરેલીથી, સાંગલીથી સંજય પાટિલના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

આ લિસ્ટમાં અમિત શાહ સિવાય ગુજરાતની અન્ય બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર નથી કરાયા.

Election 2019 narendra modi amit shah