પુલવામા હુમલા પર બિહારમાં બોલ્યા PM: તમારી જેમ મારા દિલમાં પણ લાગી આગ

17 February, 2019 03:34 PM IST  |  બરૌની, બિહાર

પુલવામા હુમલા પર બિહારમાં બોલ્યા PM: તમારી જેમ મારા દિલમાં પણ લાગી આગ

બિહારમાં મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારને 33 હજાર કરોડથી વધુની યોજનાઓની ભેટ આપી. આ માટે તેઓ સ્પેશિયલ વિમાનમાં પટના એરપોર્ટ પછી એરપોર્ટથી બરૌની પહોંચ્યા. અહીંયા સૌથી પહેલા તેમણે બરૌની રિફાઇનરીની કેપેસિટી એક્સાન્શન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ અન્ય યોજનાઓનો પણ વારાફરતી શિલાન્યાસ કર્યો.

આ પ્રસંગે તેમણે બિહારના વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. સાથે જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએમ જવાનોની શહાદત પર કહ્યું કે આ ઘટનાથી તેમના દિલમાં પણ આગ લાગેલી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પટના એરપોર્ટ પર રાજ્યપાલ લાલજી ટંડન, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાન હેલિકોપ્ટરથી બરૌની પહોંચ્યા. ત્યાં પહેલાથી કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન, રામકૃપાલ યાદવ, અશ્વિની ચૌબે તથા ગિરિરાજ સિંહ સહિત ઘણા મંત્રીઓ હાજર રહ્યા.

પીએમ મોદી બોલ્યા- બિહારમાં આગળ નીકળવાની તાકાત

બરૌનીમાં 33 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈથિલીમાં અભિવાદનની સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે તાજેતરમાં પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા પટનાના સંજયકુમાર તેમજ ભાગલપુરના રતનકુમાર ઠાકુરને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ જોઈ રહ્યા છે કે ઘટનાના કારણે લોકોના દિલોમાં આગ છે. આ આગ બુઝાવી ન જોઈએ. તેમણે કહ્યું, 'જે આગ લોકોના દિલમાં પણ છે. બિહારના બંને શહીદ સપૂતોને મારા નમન.'

વડાપ્રધાને કહ્યું કે બિહારમાં એક-એક કરીને પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. તે દિવસ દૂર નથી જ્યારે બિહાર દેશની ઝડપ વધારનારું સૌથી મહત્વનું રાજ્ય બની જશે. અમે બિહાર સહિત પૂર્વોત્તર ભારતના વિકાસ માટે અગ્રેસર છીએ. વડાપ્રધાને કહ્યું કે રાજ્યની વિકાસયાત્રા અને યોજનાઓનું વિઝન બે પાટાઓ પર એકસાથે ચાલી રહ્યું છે.

મોદીએ કહ્યું કે ખાતર કારખાનાઓથી ખેડૂતોને ખાતર અને યુવાનોને રોજગાર પણ મળશે. બરૌનીનો જે પ્રોજેક્ટ બંધ પડ્યો હતો, તેને જીવિત કરવામાં આવ્યો અને આ કડીમાં અન્ય ઘણી યોજનાઓ પણ છે. સાથે જ બરૌની રિફાઇનરીથી કાચા તેલના શોધનની ક્ષમતા વધશે. તેનાથી નેપાળ સુદ્ધાંને ફાયદો થશે. પટનામાં ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન થઈ ગયું છે. ગેસ પ્રોજેક્ટ્સથી યુવાનોને રોજગાર મળશે.

મોદીએ કહ્યું કે ઊર્જા ગંગા પરિયોજના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. ગેસ આધારિત અર્થવ્યવસ્થા તેમજ સ્વચ્છ શહેર હોય, તેના પર સરકાર સતત ધ્યાન આપી રહી છે. પટનામાં સીએનજી રિફિલિંગ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. પાઇપલાઇનથી ગેસનો પુરવઠો મળશે. સીએનજી ગાડી ચલાવવાની અર્થવ્યવસ્થા અને પર્યાવરણ બંને પર સકારાત્મક અસરો પડશે.

વડાપ્રધાને કહ્યું કે આગામી 10 વર્ષોમાં સાડા સાત લાખ રૂપિયા ખેડૂતોના ખાતમાં જમા કરવામાં આવશે. વચેટિયા વગર સીધા ખાતામાં મળનારા આ રૂપિયાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. બિહારના 27 શહેરોને આધુનિક સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. મેટ્રોથી પટનાનો પણ ઝડપથી વિકાસ થશે. રેલવેની સાથે-સાથે શહેરમાં પણ સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમની યોજના બનાવવામાં આવી રહી છે. પટના રિવરફ્રન્ટથી પર્યટકોને મદદ મળશે.

આ પણ વાંચો: પાકિસ્તાનને બીજો ઝટકો, ભારતે બધી પ્રોડક્ટ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી વધારી

વડાપ્રધાને કહ્યું કે રાજ્યમાં 18 લાખ ઘર બની ચૂક્યા છે. તેમાં 50 હજારથી વધુ બેગુસરાયમાં બન્યા છે. બિહારના છપરા અને પૂર્ણિયામાં નવી મેડિકલ કોલેજ બની રહી છે, ઘણીને અપગ્રેડ કરવામાં આવી રહી છે. સરકાર ગરીબોના ઇલાજ માટે પણ વ્યવસ્થા કરવામાં લાગી છે. મોદીએ સવર્ણ અનામતની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમારી સરકારે સવર્ણ ગરીબોને 10 ટકા અનામત આપી છે. આ અનામત અન્ય કોઈના પણ અનામતને અડ્યા વગર ઉપરથી આપવામાં આવી છે.

narendra modi nitish kumar bihar patna