ફરી આવત અટલ સરકાર તો 6 વર્ષમાં જ બન્યો હોત બ્રિજ: આસામમાં મોદી

25 December, 2018 05:49 PM IST  |  Assam

ફરી આવત અટલ સરકાર તો 6 વર્ષમાં જ બન્યો હોત બ્રિજ: આસામમાં મોદી

મોદીએ આસામમાં જનતાને સંબોધી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે દેશવાસીઓને બોગિબિલ બ્રિજની ભેટ આપી. મોદીએ આસામના દિબ્રુગઢમાં દેશના સૌથી લાંબા અને એશિયાના બીજા સૌથી લાંબા રેલ-રેડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધન પણ કર્યું.

મોદીએ આસામ સહિત તમામ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા આપીને પોતાના ભાષણની શરૂઆત કરી. મોદીએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. તમને સહુને દેશના સૌથી લાંબા રેલ-રોડ બ્રિજના અભિનંદન. આ બ્રિજ ફક્ત એક બ્રિજ નથી પરંતુ આસામ અને અરૂણાચલપ્રદેશના લોકો માટે લાઇફલાઇન છે. આ બ્રિજના કારણે ઇટાનગર અને દિબ્રુગઢ વચ્ચેનું અંતર 200 કિમીથી પણ ઓછું થઈ જશે. વિકાસની આ ગતિ આસામ સાથે આખા નોર્થ-ઇસ્ટની તસવીર બદલવાની છે. આઝાદી પછી બ્રહ્મપુત્રા પર 70 વર્ષમાં કુલ ત્રણ બ્રિજ બન્યા અને છેલ્લાં 4 વર્ષોમાં જ અમે બ્રહ્મપુત્રા ઉપર ત્રણ બ્રિજ બનાવી દીધા. ઉપરાંત, નવા પુલો પર પણ કામ ચાલી રહ્યું છે.

કોંગ્રેસે લટકાવી અટલજીની યોજનાઓ

કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે અટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ યોજનાઓ લટકાવવામાં આવી. 2004માં જ્યારે અટલ સરકાર ગઈ તો તેમના ઘણા પ્રોજેક્ટ્સ અટકાવી દેવામાં આવ્યા. જો અટલજીની સરકારને ફરી મોકો મળ્યો હોત તો 2007-2008 સુધી પુલનું લોકાર્પણ થઈ ગયું હોત. કોંગ્રેસ સરકારે તમારી જરૂરિયાતો પર ધ્યાન આપ્યું નથી. 2014માં સરકાર બન્યા પછી અમે આ પ્રોજેક્ટના તમામ વિઘ્નો દૂર કરીને તે કામને આગળ ધપાવ્યું. અટલજીના જન્મદિવસે તેમના સપનાને પૂરું કરીને તેમના શ્રદ્ધાંજલિ આપી છે. અટલજી આજે જ્યાં પણ હશે, બોગિબિલ બ્રિજ શરૂ થવા પર તમારા લોકોના ચહેરાની ખુશી જોઇને પ્રસન્નતા અનુભવતા હશે.

આસામની ગરીબ બહેનોને આપ્યા 24 લાખ મફત ગેસ કનેક્શન

ઉજ્જવલા યોજના હેઠળ આશરે 24 લાખ મફત ગેસ કનેક્શન આસામની ગરીબ બહેનોને આપવામાં આવ્યા છે. જેનું પરિણામ એ છે કે આસામમાં સાડા 4 વર્ષ પહેલા સુધી જ્યાં આશરે 40 ટકા ઘરોમાં ગેસ સિલિન્ડર્સ હતા ત્યાં આજે 80 ટકા એટલેકે બેગણા ઘરોમાં ગેસ સિલિન્ડર્સ છે. સૌભાગ્ય યોજના હેઠળ વીતેલા એક વર્ષમાં જ આસામના 12 લાખથી વધુ પરિવારોને મફત વીજળી કનેક્શન આપવામાં આવ્યું છે. જેમાં આસામમાં વીજળીકરણનો વિસ્તાર 50 ટકાથી વધીને આશરે 90 ટકા થઈ ચૂક્યો છે.

narendra modi assam