હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાના અમિત શાહના નિવેદનનો વિવાદ

15 September, 2019 12:10 PM IST  |  નવી દિલ્હી

હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાના અમિત શાહના નિવેદનનો વિવાદ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવા સાથે ભારતને સાંસ્કૃતિક રીતે સંગઠિત કરવાની ગઈ કાલે કરેલી હાકલ વિરુદ્ધ કેટલાક વિપક્ષના નેતાઓએ શાહ સામે નિશાન તાકતાં તેમની અપીલ ‘રાષ્ટ્રીય એકતા સામે જોખમ’ ઊભું કરતી હોવાથી એના પર ફેરવિચારણા કરવાની માગણી કરી હતી.

હિન્દી દિવસ સમારોહની ઉજવણી કરતાં એક કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપતાં શાહે કહ્યું હતું કે ‘વિવિધતામાં એક્તા એ ભારતની આગવી લાક્ષણિકતા છે ત્યારે સાંસ્કૃતિક રીતે સંગઠનાત્મક પરિબળ તરીકે એકસમાન ભાષા હોવી જરૂરી છે.’

ભાષાકીય વૈવિધ્ય આપણા દેશની તાકાત છે ત્યારે રાષ્ટ્રીય ભાષા હોવી જરૂરી છે જેથી વિદેશી ભાષાઓ તેમ જ સંસ્કૃતિઓ આપણી સંસ્કૃતિ-ભાષા પર વર્ચસ્વ ન જમાવી દે એમ કહીને તેમણે જાહેર કર્યું હતું કે આગામી વર્ષે હિન્દી દિવસ સમારોહ એક જાહેર કાર્યક્રમ હશે. તેમણે કહ્યું હતું કે સરકાર હિન્દી દિવસને દિલ્હીની બહાર લઈ જશે અને દેશભરમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરશે. તેમણે હિન્દીને આઝાદીની લડતનો આત્મા ગણાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિને અભિવ્યક્ત કરવાની આપણી સત્તા આપણી રાષ્ટ્રીય ભાષાની ગેરહાજરીમાં નાશ પામશે.

આ પણ વાંચો : દેશમાં સમાન સિવિલ કોડ સત્વર સ્થાપિત કરો : સુપ્રીમ કોર્ટ

આ પગલે ડીએમકેના વડા એમ. કે. સ્ટાલિને શાહને આ નિવેદન પરત ખેંચવાની માગણી કરી હતી અને આવી ટિપ્પણીને દેશની એકતા સામે ખતરારૂપ ગણાવી હતી. કૉન્ગ્રેસે પણ બીજેપી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશને ભાષાઓથી નહીં, પણ બીજેપીના સિદ્ધાંતોથી ખતરો છે. સીપીઆઇ (એમ)એ પણ જણાવ્યું હતું કે શાહનાં નિવેદનો વિવિધતાના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો છે.

amit shah national news