રોજગારીની કમી નથી, ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ સંતોષ ગંગવાર

16 September, 2019 08:44 AM IST  | 

રોજગારીની કમી નથી, ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ સંતોષ ગંગવાર

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં રોજગારીની કોઈ કમી નથી, પરંતુ ઉત્તર ભારતના લોકોમાં પૂરતા પ્રમાણમાં યોગ્યતા નથી. આ પ્રકારનું નિવેદન નોકરી માટે ભરતી કરતા અધિકારી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવાનાં કામ કર્યાં છે.

સરકારે મુદ્રા યોજનાથી અનેક નાના વેપારીઓને સહાય કરી છે. વિવિધ યોજના દ્વારા દેશમાં સરકારે રોજગારીના અવસર પેદા કર્યા છે. ગંગવારે આ પ્રકારનું નિવેદન ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સમાં આપ્યુ. તેઓ પ્રેસ-કૉન્ફરન્સમાં મોદી સરકારના ૧૦૦ દિવસનાં કામનો હિસાબ આપી રહ્યા હતા.

મોદી સરકાર ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચવા માગે છેઃ પ્રિયંકા ગાંધી

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે ઉત્તર ભારતીયો વિશે આપેલા નિવેદન બાદ કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ‘ઉત્તર ભારતીયોનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે. મોદી સરકારે પાંચ વર્ષમાં રોજગારી પેદા કરી નથી. આર્થિક મંદીના કારણે અનેક યુવાઓ બેરોજગાર થયા છે. આવી સ્થિતિમાં મોદી સરકાર ઉત્તર ભારતીયોનું અપમાન કરી બચવા માગે છે.’

આ પણ વાંચો: આંધ્રમાં ગોદાવરીમાં નૌકા ડૂબતાં ૧૨નાં મોત : ૩૬ લાપતા

ગંગવારે પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએઃ માયાવતી

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બસપા સુપ્રીમો માયાવતીએ પણ ટ્‌વીટ કરીને કેન્દ્રીય પ્રધાનના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાન ગંગવારે પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએ.‘દેશમાં આર્થિક મંદીની તેમ જ અન્ય ગંભીર સમસ્યા વિશે કેન્દ્રીય પ્રધાનોનાં હાસ્યાસ્પદ નિવેદનો બાદ હવે ઉત્તર ભારતીયોનો બેરોજગારીનો પ્રશ્ન દૂર કરવાને બદલે રોજગારીની અછતને બદલે યોગ્યતાની ઊણપને જવાબદાર ગણાવવામાં આવે છે, આવું નિવેદન શરમજનક છે અને પ્રધાને દેશની માફી માગવી જોઈએ.’

national news gujarati mid-day