અભિનંદનને કરાયું હતું મૅન્ટલ ટોર્ચર

03 March, 2019 07:40 AM IST  |  ન્યૂ દિલ્હી

અભિનંદનને કરાયું હતું મૅન્ટલ ટોર્ચર

વીર અભિનંદનને મળ્યાં સંરક્ષણપ્રધાન: પાકિસ્તાનની અટકાયતમાં ૬૦ કલાક પસાર કર્યા બાદ સ્વદેશ પાછા આવેલા ઍરફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મળવા માટે સંરક્ષણપ્રધાન નિર્મળા સીતારામન આર્મીની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલમાં ગયાં હતાં.

પાકિસ્તાની આર્મીએ ઇન્ડિયન ઍરફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મારપીટ કરી નહોતી, પરંતુ ખાસ્સો માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, એમ પાકિસ્તાનની અટકાયતમાંથી મુક્ત થઈને સ્વદેશ પાછા ફરેલા વિન્ગ કમાન્ડરે ભારતીય અધિકારીઓને ગઈ કાલે કહ્યું હતું.

શુક્રવારે પાકિસ્તાનની અટકાયતમાંથી મુક્ત થઈને વાઘા સરહદે પહોંચેલા ઇન્ડિયન ઍરફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ગઈ કાલે દિલ્હીમાં લશ્કરની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલમાં કહ્યું હતું કે પાકિસ્તાનીઓએ માનસિક ત્રાસ આપીને પાકિસ્તાની આર્મી માટે સારું બોલવાની ફરજ પાડી હતી.

હવાઈ દળના વડા બિરેન્દરસિંહ ધાનોવા સાથેની મુલાકાત દરમ્યાન અભિનંદને પાકિસ્તાનમાં અટકાયતના ૬૦ કલાકના અનુભવો વર્ણવ્યા હતા. નવી દિલ્હીમાં વર્ધમાનનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સંરક્ષણપ્રધાન નિર્મળા સીતારામન પણ અભિનંદનને મળ્યાં હતાં. અભિનંદન શુક્રવારે રાતે ૧૧.૪૫ વાગ્યે દિલ્હી પહોંચ્યા બાદ તેમને સીધા ઍરફોર્સ સેન્ટ્રલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી લશ્કરની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલમાં ગઈ કાલે સંરક્ષણપ્રધાન નિર્મળા સીતારામન અભિનંદનને મળ્યાં હતાં. લગભગ ૬૦ કલાક સુધી પાકિસ્તાનની અટકાયતમાં રહ્યા પછી પણ અભિનંદન ફિઝિકલી ફિટ હોવાનું મેડિકલ ચેકઅપમાં જણાયું હતું. અભિનંદનને આજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાની શક્યતા છે.

ભારતની લશ્કરી છાવણી પર પ્રહાર માટે આવેલા પાકિસ્તાનના F-16ના પાઇલટનો કોઈ પત્તો નથી

એક તરફ ભારતમાં અભિનંદન વર્ધમાનનું વીર સૈનિકરૂપે બહુમાન થઈ રહ્યું છે, પરંતુ અભિનંદને જે F-16 વિમાન તોડી પાડ્યું હતું એ વિમાનનો પાઇલટ ગુમનામ થઈ ગયો છે. તે પાઇલટ ક્યાં છે એની કોઈને ખબર નથી. તે પાઇલટ જીવતો છે કે નહીં એની પણ કોઈને ખબર નથી. પાકિસ્તાનની સરકાર કે સ્થાનિક પ્રસાર માધ્યમો એ બાબતમાં કંઈ બોલતાં નથી. જોકે પાકિસ્તાને ભારતનાં બે વિમાનોને નિશાન બનાવીને બે પાઇલટ્સને અટકાયતમાં લીધા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ એ જુઠ્ઠાણું હવે પાકિસ્તાનના પાઇલટને ભારે પડી રહ્યું છે. અમેરિકાએ પણ F-16ના વપરાશ બાબતે પાકિસ્તાન પાસેથી જવાબ માગ્યો છે.

આ પણ વાંચો : પુલવામામાં IED બ્લાસ્ટ, આતંકીઓનો સૈનિકોને નિશાન બનાવવાનો પ્રયાસ નિષ્ફળ

વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના જે F-16 વિમાનને તોડી પાડ્યું હતું તેના પાઇલટનું નામ વિન્ગ કમાન્ડર શહજાજુદ્દિન હતું. જાણવા મળ્યું હતું કે F-16 પર મિસાઇલ છોડવામાં આવતાં પાઇલટ શહજાજુદ્દિન પૅરેશૂટમાં બહાર નીકળીને PoKમાં ઊતર્યો હતો,. બિનસત્તાવાર માહિતી મુજબ સ્થાનિક લોકોએ શહજાજુદ્દિનને મારી-મારીને ખતમ કરી નાખ્યો હતો, પરંતુ પાકિસ્તાનની સરકારે હજી સુધી એ વાત સ્વીકારી નથી. પાકિસ્તાને ભારત સામેની કાર્યવાહીમાં F-16ના ઉપયોગનો ઇનકાર કર્યો હતો. ભારતે વિમાન F-16 દ્વારા ભારતની લશ્કરી છાવણીઓ પર હુમલાના પ્રયાસના પુરાવા આપ્યા હતા.

nirmala sitharaman national news pulwama district jammu and kashmir terror attack new delhi indian air force indian army