બે આરોપીની ક્યુરેટિવ પિટિશન્સ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી

15 January, 2020 03:35 PM IST  |  New Delhi

બે આરોપીની ક્યુરેટિવ પિટિશન્સ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવ્યા બાદ ખુશ નિર્ભયાની માતા. તસવીર : પી.ટી.આઇ.

૨૦૧૨ના નિર્ભયા કાંડમાં ફાંસીની સજા પામેલા બે આરોપીઓએ ૯ જાન્યુઆરીએ કરેલી ક્યુરેટિવ પિટિશન્સ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરતાં બાવીસમી જાન્યુઆરીએ ચારેય આરોપીઓને એકસાથે તિહાડ જેલમાં ફાંસીને માંચડે ચડાવવાનું નક્કી છે. દિલ્હીની કોર્ટે નિર્ભયા કેસમાં ચાર આરોપીઓને ફાંસીની સજાના ફરમાન સાથે બાવીસમી જાન્યુઆરીની સવારે ૭ વાગ્યે તિહાડ જેલમાં સજાના અમલ માટે ડેથ વૉરન્ટ્સ બહાર પાડ્યાં હતાં. એની સામે બે આરોપીઓ ૨૬ વર્ષના વિનય શર્મા અને ૩૨ વર્ષના મુકેશ કુમારે ક્યુરેટિવ પિટિશન્સ કરી હતી. ૩૧ વર્ષના અક્ષયકુમારસિંહ અને ૨૫ વર્ષના પવન ગુપ્તાએ ક્યુરેટિવ પિટિશન્સ કરી નહોતી. જસ્ટિસ એન.વી. રામણ્ણાના વડપણ હેઠળની પાંચ જજીસની બેન્ચે ચૅમ્બરમાં બંધબારણે કરેલી સુનાવણીમાં સર્વસંમતીથી ક્યુરેટિવ પિટિશન્સ નામંજૂર કરી હતી. બેન્ચના અન્ય ન્યાયમૂર્તિઓમાં જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર.એફ. નરીમાન, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ હતો. બેન્ચે નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘ક્યુરેટિવ પિટિશન્સ ઉપરાંત ફાંસીની સજાના અમલ પર સ્થગન આદેશની અરજી પણ નામંજૂર કરવામાં આવે છે. અમે ક્યુરેટિવ પિટિશન્સ અને સંબંધિત દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે. એ મુજબ અગાઉના ‘રૂપા અશોક હોરા વિરુદ્ધ અશોક હોરા તથા અન્યો’ના કેસમાં નિર્ણય માટે જે માપદંડો અપનાવવામાં આવ્યા હતા એ માપદંડો અનુસાર કોઈ કેસ બનતો નથી. એથી ક્યુરેટિવ પિટિશન્સ નામંજૂર કરવામાં આવે છે.’

કોઈ પણ કેસમાં સર્વોચ્ચ અદાલતમાં ચુકાદો જાહેર કરાયા પછી અપરાધીઓ પાસે સજા ઘટાડવા કે માફ કરવાની દિશામાં રિવ્યુ પિટિશન પછી આખરી ઉપાય ક્યુરેટિવ પિટિશનનો હોય છે.

નિર્ભયા કેસ: શરૂઆતથી આજ સુધી

૨૦૧૨ની ૧૬/૧૭ ડિસેમ્બરની રાતે દક્ષિણ દિલ્હીમાં નિર્ભયા નામે ઓળખાવાતી પેરામેડિક સ્ટુડન્ટ પર છ જણે ચાલુ બસમાં બળાત્કાર તથા અન્ય પ્રકારનો અત્યાચાર ગુજાર્યો હતો. આઘાત અને શારીરિક ઈજાઓને કારણે ગંભીર સ્થિતિ ધરાવતી નિર્ભયાને ઉપચાર માટે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ હૉસ્પિટલમાં ૨૯ ડિસેમ્બરે નિર્ભયા મૃત્યુ પામી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈ કોર્ટે કરેલી ફાંસીની સજાના ફરમાનને ૨૦૧૭માં સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યું હતું. છ આરોપીઓમાંથી એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આપઘાત કર્યો હતો. એક સગીર વયના આરોપીને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડે દોષી ઠેરવાયા બાદ તેણે રિફોર્મેશન સેન્ટરમાં ત્રણ વર્ષ પસાર કર્યા પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૮ના જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે ત્રણ આરોપીઓની રિવ્યુ પિટિશન નામંજૂર કરી હતી.

supreme court new delhi Crime News