નિર્ભયાકાંડના નરાધમોને 17 ડિસેમ્બર સુધી જીવતદાન મળ્યું

14 December, 2019 11:52 AM IST  |  New Delhi

નિર્ભયાકાંડના નરાધમોને 17 ડિસેમ્બર સુધી જીવતદાન મળ્યું

નિર્ભયા કૅસ

એક બાજુ નિર્ભયા ગૅન્ગરેપના આરોપીઓ માટે ફાંસીનો તખતો તૈયાર કરાઈ રહ્યો છે. તો બીજી બાજુ નિર્ભયા રેપના આરોપીઓ ફાંસીથી બચવા માટે કાવાદાવા અપનાવી રહ્યા છે. તેવામાં નિર્ભયા ગૅન્ગરેપ કેસમાં આરોપીઓને જલદી ફાંસી આપવાની દાખલ થયેલી યાચિકા મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશકુમાર અરોરાએ કહ્યું છે કે મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે અક્ષયની પુનઃવિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે ૧૭ ડિસેમ્બરે સુનાવણી થવાની છે તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું.

પટિયાલા હાઉસ કોર્ટમાં સવારે ૧૦ વાગે સુનાવણીની શરૂઆત થઈ હતી. આ દરમ્યાન ચારેય આરોપીઓ તિહાર જેલમાં જ હતા, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી સમયે નિર્ભયાનાં માતા-પિતા અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતાં. ગઈ સુનાવણી દરમ્યાન નિર્ભયાનાં માતા કોર્ટમાં રડવા લાગ્યાં હતાં. રડતાં રડતાં નિર્ભયાનાં માતા આશાદેવીએ સવાલ કર્યો હતો કે ખબર નહીં આરોપીઓને ફાંસી ક્યારે આપવામાં આવશે.

પટિયાલા હાઉસ કોર્ટમાં આ દરમ્યાન નિર્ભયાના વકીલે કહ્યું કે ફાંસીની તારીખ નક્કી થવી જોઈએ. દયા અરજી લગાવવાથી ડેથ વોરન્ટ જાહેર થવાને કોઈ લેવાદેવા નથી. દયા અરજી લગાવવાથી ડેથ વોરન્ટને રોકી શકાતું નથી. તેના પર કોર્ટે કહ્યું કે પહેલાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા દો, પછી અમે તેના પર સુનાવણી કરીશું.

આ પણ વાંચો : પાંચ રાજ્યે નાગરિકતા કાનૂનનો અમલ કરવાની ઘસીને ના પાડી

નિર્ભયાની માતાએ પિટિશનને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે

નિર્ભયા ગૅન્ગરેપના એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરી હોવાથી નિર્ભયાની માતાએ આ અરજીને પડકારતી અરજી દાખલ કરી છે. અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે અરજી કરી છે. આ અરજી વિરુદ્ધ નિર્ભયાની માતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

new delhi national news