આધ્યાત્મિક ગુરુ કલ્કિ ભગવાન પાસે 500 કરોડથી વધુની બેનામી સંપત્તિ

20 October, 2019 11:33 AM IST  |  નવી દિલ્હી

આધ્યાત્મિક ગુરુ કલ્કિ ભગવાન પાસે 500 કરોડથી વધુની બેનામી સંપત્તિ

આધ્યાત્મિક ગુરુ કલ્કિ ભગવાન

આવકવેરા વિભાગને કથિત આધ્યાત્મિક ગુરુ કલ્કિ ભગવાન સાથે સંકળાયેલાં ૪૦ ઠેકાણાં પર દરોડો પાડીને ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે બેનામી સંપત્તિની માહિતી મળી છે. ધાર્મિક પ્રવચન અને ઉત્તમ જીવન જીવવાના ઉપાયો (વેલનેસ કોર્સ) શીખવાડવાના નામે કાળાં નાણાં જમા કરનાર ચેન્નઈના એક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન અધિકારીઓને ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે કાળાં નાણાંની માહિતી મળી છે. આ ગ્રુપે ભારત સાથે વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ રોકાણ કર્યું છે.

આવકવેરા વિભાગે પોતાને મળેલી બાતમીના આધારે ગ્રુપના ચેન્નઈ, બૅન્ગલોર, હૈદરાબાદ અને વરદાઈપલેમનાં લગભગ ૪૦ ઠેકાણાં પર દરોડાની કાર્યવાહી કરી છે. આ ગ્રુપના સંચાલક ધાર્મિક નેતા અને તેમના પુત્ર છે. આ ગ્રુપ અનેક ઠેકાણે વેલનેસ કોર્સ ચલાવે છે. તપાસમાં ખબર પડી છે કે તેમના કર્મચારીઓ વિભિન્ન આશ્રમોમાં જે રૂપિયા વસૂલતા હતા એનો હિસાબ રાખતા નહોતા અને એનું અન્ય ઠેકાણે રોકાણ કરતા હતા.

પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આ કૌભાંડ ૨૦૧૪-’૧૫થી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી લગભગ ૪૦૯ કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી ચૂકી છે. આ ઠેકાણાંથી અધિકારીઓને ૪૩.૯ કરોડ રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય આવકવેરા વિભાગને અનેક દેશોની કરન્સી પણ મળી છે, જેનું ભારતીય મૂલ્ય ૧૮ કરોડ રૂપિયા થાય છે.

આ પણ વાંચો : તેજસ એક્સપ્રેસ મોડી થઈ તો હોસ્ટેસે કહ્યું Sorry, મુસાફરોને આપી આ ભેટ

આ સિવાય લગભગ ૮૮ કિલો સોનાનાં આભૂષણો પણ મળ્યાં છે જેનું મૂલ્ય ૨૬ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ત્યાંથી ૧૨૭૧ કૅરૅટ હીરા પણ મળ્યા છે, જેનું મૂલ્ય લગભગ પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. હાલમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમ્યાન માહિતી મળી છે કે આ સમૂહે અમેરિકા, ચીન, સિંગાપોર, સંયુક્ત અરબ અમીરાત સહિત અનેક દેશોમાં રોકાણ કર્યું છે.

new delhi national news