ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિમી. લાંબી બનશે ગ્રીન વૉલ ઑફ ઇન્ડિયા

10 October, 2019 12:08 PM IST  |  નવી દિલ્હી

ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિમી. લાંબી બનશે ગ્રીન વૉલ ઑફ ઇન્ડિયા

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણ, સંરક્ષણ અને લીલોતરી વિસ્તારને વધારવા માટે ૧૪૦૦ કિલોમીટર લાંબી ગ્રીન વૉલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધીના લીલોતરી વિસ્તાર મુજબ ગુજરાતથી લઈને દિલ્હી-હરિયાણા સુધી ‘ગ્રીન વૉલ ઑફ ઇન્ડિયા’ને વિકસિત કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકામાં આવેલ ગ્રેટ ગ્રીન વૉલ ઑફ સહારની જેમ ભારતમાં ગુજરાતથી નવી દિલ્હી સુધી ૧૪૦૦ કિમી. લાંબી જ્યારે ૫ કિમી. પહોળી ‘ગ્રીન વૉલ ઑફ ઇન્ડિયા’ બનાવવાનું સરકાર વિચારી રહી છે. આફ્રિકામાં ક્લાઇમેન્ટ ચેન્જ અને રેગિસ્તાનને રોકવા માટે લીલોતરી વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે.

જો કે આ વિચાર તો હાલ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ ઘણા મંત્રાલયોના અધિકારીઓ તેને લઈને ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મહોર લાગી જશે તો ભારતમાં વધતાં પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં આ એક ઉદાહરણ સમાન હશે. પોરબંદરથી લઈને પાણીપત સુધી બનનારા આ ગ્રીન બોલ્ટથી ઘટી રહેલા વન ક્ષેત્રમાં વધારો થશે.

પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણ વિસ્તારમાંથી દિલ્હી સુધી ઊડીને આવતી ધૂળનું પ્રમાણ આ વૉલ બનતાં રોકાશે. જો કે એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે ભારતમાં ઘટી રહેલો વન વિસ્તાર અને વધતાં રણના વિસ્તારને રોકવા માટે આ પ્રસ્તાવ હાલમાં સંયુક્ત રાષ્ટ્રની કૉન્ફરન્સમાંથી આવ્યો છે. જો કે આ પ્રસ્તાવ હજી સુધી અંતિમ ચરણમાં મંજૂરી માટે પહોંચ્યો નથી.

આફ્રિકામાં ગ્રેટ ગ્રીન વૉલનું કામ અંદાજે એક દાયકા પહેલા શરૂ થઈ ગયું હતું. ભારત સરકાર દ્વારા આ પ્રસ્તાવને ૨૦૩૦ સુધી રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખી પૂરું કરવાનો વિચાર છે. જેના હેઠળ ૨૬ મિલિયન હેકટર જમીન પ્રદૂષણથી મુક્ત કરવાનો લક્ષ્ય છે.

new delhi national news