બીજેપીના સંકટ સમયની સાંકળરૂપ નેતા બીમારીઓ સામે હારી ગયા

25 August, 2019 08:57 AM IST  |  નવી દિલ્હી

બીજેપીના સંકટ સમયની સાંકળરૂપ નેતા બીમારીઓ સામે હારી ગયા

અરુણ જેટલી

ભૂતપૂર્વ નાણાપ્રધાન અને બીજપીના સંકટ સમયની સાંકળરૂપ વરિષ્ઠ નેતા અરુણ જેટલી ગઈ કાલે બપોરે ૧૨.૦૭ વાગ્યે અવસાન પામ્યા હતા. સદ્ગતના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાનમાં કરવામાં આવશે. કેટલાક મહિનાથી આરોગ્યની અનેક સમસ્યાઓથી પીડાતા ૬૬ વર્ષના જેટલીને ૯ ઑગસ્ટે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ હૉસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ હતા.

જેટલીના નિધનના સમાચાર જાણીને કેન્દ્રના પ્રધાનો અમિત શાહ, હર્ષ વર્ધન, જિતેન્દ્ર સિંહ, બીજેપીના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા અને પૂર્વ દિલ્હીના સંસદસભ્ય ગૌતમ ગંભીર સહિત કેટલાક રાજકીય આગેવાનો હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. સદ્ગતના પરિવારમાં પત્ની સંગીતા, પુત્રી સોનાલી અને પુત્ર રોહનનો સમાવેશ છે. અરુણ જેટલીનો જન્મ ૧૯૫૨ની ૨૮ સપ્ટેમ્બરે થયો હતો.

ડાયાબિટીઝને કારણે વજન વધી જતાં ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં અરુણ જેટલીએ બૅરિયાટ્રિક સર્જરી કરાવી હતી. ૨૦૧૮ની ૧૪ મેએ અરુણ જેટલીએ દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યાર પછી તેમની તબિયત કથળતી હોવાથી તેમને કામકાજમાંથી અવારનવાર બ્રેક લેવાની ફરજ પડી હતી. તબિયત સારી ન રહેતી હોવાથી નવી મોદી સરકારમાં પણ અરુણ જેટલી સક્રિય થયા નહોતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલા અરુણ જેટલી ૨૦૧૯ની ચૂંટણી લડ્યા નહોતા. વર્ષ ૨૦૦૦માં રાજ્યસભામાં પ્રવેશ કરનારા અરુણ જેટલી સતત ચાર ટર્મ સુધી સંસદના ઉપલા ગૃહમાં રહ્યા હતા. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ બીજેપી સત્તા પર આવ્યા પછી ગૃહના નેતા બન્યા હતા. ૨૦૧૪માં રચાયેલી પ્રથમ મોદી સરકારમાં નાણાં અને સંરક્ષણ ખાતાનું પ્રધાનપદ સંભાળનારા અરુણ જેટલી બીજેપીના કષ્ટભંજન કરનારા ગણાતા હતા. તેમના પિતા મહારાજ કિશન જેટલી વકીલાત કરતા હતા અને બન્ને સંતાનો સોનાલી અને રોહન પણ વકીલાત કરે છે.

બીજેપીમાં સૂક્ષ્મ રાજકીય સૂઝ ધરાવતા નેતાઓમાંથી એક અરુણ જેટલી પ્રસાર માધ્યમો સાથે સંબંધોમાં પણ નિપુણ હતા. પ્રખર રાજકીય મુત્સદ્દી ગણાતા અરુણ જેટલી કોઈ પણ રાજકીય વિચારધારાના નેતાઓ સાથે સંબંધો ધરાવતા હતા. બીજેપીમાં અટલ બિહારી વાજપેયી શાસિત માહોલમાંથી નવા નરેન્દ્ર મોદીના વર્ચસ્વના માહોલમાં પરિવર્તન લાવવામાં અરુણ જેટલીની સૂક્ષ્મ સૂઝની મુખ્ય ભૂમિકા હતી.

૪૫ વર્ષમાં વ્યાપક મતદાનની એક પણ ચૂંટણી જીત્યા નહોતા

અરુણ જેટલી રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે મોખરે અને કેન્દ્રસ્થ રહ્યા છતાં લોકસભા કે વિધાનસભા જેવી દેશ કે રાજ્યની વ્યાપક મતદાનની એક પણ ચૂંટણી જીત્યા નહોતા. ૧૯૭૪માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવાર રૂપે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે ચૂંટાયા હતા.

મૂલ્યવાન મિત્ર ગુમાવ્યો : મોદી

આપણા સૌના પ્રિય એવા ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીજીના અકાળે અવસાનથી મને આઘાત લાગ્યો છે અને ખૂબ દુઃખ થયું છે. રાષ્ટ્રે હંમેશાં સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત મહાન નેતા ગુમાવ્યા છે. તેઓ ધુરંધર ધારાશાસ્ત્રી અને પ્રખર વક્તા હતા. હું જેટલીજીના પરિવારને સાંત્વન અને આશ્વાસનનો સંદેશ મોકલું છું. સદ્ગતની વિદાયનો આઘાત સહન કરવાનું ધૈર્ય અને હિંમત પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.

- નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

સિબલની જેટલીને અનોખી શ્રદ્ધાંજલિ

દેશના નાણાપ્રધાનના પદે રહીને દેશની અર્થવ્યવસ્થામાં અનેક ઐતિહાસિક ફેરફાર લાવનારા અરુણ જેટલીનું ગઈ કાલે નિધન થતાં રાજકારણ ક્ષેત્ર શોકમગ્ન બન્યું હતું. રાજકારણના અનેક નેતાઓએ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો જેમાં વિરોધ પક્ષના વરિષ્ઠ નેતા કબિલ સિબલે જેટલી સાથેનો પોતાનો એક ફોટો શૅર કરી શ્રદ્ધાંજ‌લિ આપી હતી જેમાં બન્ને નેતાઓ ક્રિકેટના ડ્રેસમાં જોવા મળ્યા હતા.

સિબલે જેટલીને એક જૂના મિત્ર અને પ્રિય સહયોગી જણાવી લખ્યું હતું કે ‘જાણીને ખૂબ દુ:ખ થયું કે અરુણ જેટલી હવે નથી રહ્યા.

મને અંગત ખોટ પડી છે

મારા ખૂબ જૂના અને પ્રિય મિત્ર તેમ જ નિકટવર્તી સહયોગી અરુણ જેટલીના નિધનથી મને અંગત ખોટ પડી છે. મુઠ્ઠી ઊંચેરા કાયદાશાસ્ત્રી, ઉત્કૃષ્ટ સંસદસભ્ય, કુશળ વહીવટકર્તા તેમ જ પ્રખર બૌદ્ધિક અરુણ જેટલીના નિધનથી રાષ્ટ્રને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે.

- વેન્કૈયા નાયડુ, ઉપરાષ્ટ્રપતિ

માર્ગદર્શક પ્રકાશ સમાન પરિવારના સભ્ય ગુમાવ્યા

અરુણ જેટલીજીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. આપણી વચ્ચેથી તેમની વિદાયથી મને અંગત ખોટ પડી છે. અમે ફક્ત પક્ષના વરિષ્ઠ નેતા નહીં, પણ હંમેશના માર્ગદર્શક પ્રકાશ સમાન પરિવારના સભ્ય ગુમાવ્યા છે.

- અમિત શાહ, કેન્દ્રના ગૃહપ્રધાન

મને હંમેશાં સારી રેસ્ટોરાંનું નામ સૂચવતા

અરુણ જેટલીજી પ્રખર કાયદાશાસ્ત્રી હોવા ઉપરાંત પ્રતિભાશાળી સાંસદ અને મહાન વહીવટકર્તા હતા. તેઓ મૈત્રીનું મૂલ્ય સમજતા હતા અને કોઈ પણ રાજકીય વિચારો ધરાવતી વ્યક્તિની સાથે મૈત્રી નિભાવતા હતા. હું બીજેપીનો પ્રમુખ હતો ત્યારે જેટલીજીને પક્ષની મધ્યવર્તી ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ ખૂબ ઝડપથી પક્ષના વરિષ્ઠ નેતા બન્યા હતા. તેઓ સ્વાદિષ્ટ વાનગીઓના શોખીન હતા. મને હંમેશાં સારાં રેસ્ટોરાંનાં નામો સૂચવતાં હતાં. દર દિવાળીએ મારા ઘરે આવતા હતા. જટિલ સ્થિતિઓના ઉકેલ માટે બીજેપીના કાર્યકરો તિક્ષ્ણ અને વિશ્લેષણાત્મક દિમાગ ધરાવતા જેટલીજી પર આધાર રાખતા હતા. તેમના અવસાનથી બીજેપીને ન પુરાય એવી ખોટ પડી છે અને મેં એક સ્વજન ગુમાવ્યા છે.

- લાલકૃષ્ણ અડવાણી, બીજેપીના વરિષ્ઠ નેતા

રાજકીય મતભેદો છતાં પરસ્પર સન્માનની લાગણી

અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટીમાં મારા સિનિયર હતા. અમારા રાજકીય મતભેદો છતાં પરસ્પર સન્માનની લાગણી હતી. લોકસભામાં એમના બજેટની ચર્ચા મને યાદ રહેશે. તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ હતા અને હું સેન્ટ સ્ટીફન્સ કૉલેજ સ્ટુડન્ટ્સ યુનિયનનો પ્રમુખ હતો ત્યારે અમે પહેલી વખત મળ્યા હતા. જેટલીજીના અવસાનથી દેશને મોટી ખોટ પડી છે.

- શશી થરૂર, સંસદસભ્ય અને કૉન્ગ્રેસના નેતા

સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત મહાન નેતા ગુમાવ્યા

આપણા સૌના પ્રિય એવા ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીજીના અકાળે અવસાનથી મને આઘાત લાગ્યો છે અને ખૂબ દુઃખ થયું છે. રાષ્ટ્રે હંમેશાં સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત મહાન નેતા ગુમાવ્યા છે. તેઓ ધુરંધર ધારાશાસ્ત્રી અને પ્રખર વક્તા હતા. હું જેટલીજીના પરિવારને સાંત્વન અને આશ્વાસનનો સંદેશ મોકલું છું. સદ્ગતની વિદાયનો આઘાત સહન કરવાનું ધૈર્ય અને હિંમત પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.

બીજાને મદદ કરવા માટે તત્પર

અરુણ જેટલીજીના નિધનના સમાચાર સાંભળી ઘણું દુ:ખ થયું. તેઓ ખરેખર સારા માનસ હતા જે બીજાને મદદ કરવા માટે તત્પર રહેતા. ૨૦૦૬માં જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે તેઓ પોતાનો બહુમૂલ્ય સમય કાઢીને મારા ઘરે ખરખરો કરવા આવ્યા હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

- વિરાટ કોહલી

આ પણ વાંચો : Arun Jaitleyના પરિવારમાં કોણ કોણ છે, જાણો શું કરે છે તેમનો પુત્ર-પુત્રી

તકલીફોનો નિવેડો લાવતા

અરુણ જેટલીજીના નિધનથી ઘણું દુ:ખ થયું છે. ડીડીસીએમાં તેમની આગેવાની હેઠળ અનેક પ્લેયરોને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેઓ પ્લેયરોની જરૂરિયાત સમજતા અને જે તકલીફો થતી એનો નીવેડો પણ અચૂક લાવતા. મારી પ્રાર્થના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.

- વીરેન્દર સેહવાગ