પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનાવવાનું ભારતનું લક્ષ્યઃ મોદી

16 June, 2019 10:36 AM IST  |  નવી દિલ્હી

પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનાવવાનું ભારતનું લક્ષ્યઃ મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાઈ હતી. નીતિ આયોગની પાંચમી બેઠકમાં વડા પ્રધાન મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને ૨૦૨૪ સુધી ૫ ટ્રિલ્યન ડૉલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ પડકારરૂપ છે, પરંતુ તેને હાંસલ કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને પૂરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.

આવક અને રોજગાર વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. રાજ્યોની નિકાસ પ્રોત્સાહન ઉપર ધ્યાન આપવું જોઈએ. મોદી સરકારને બીજા કાર્યકાળની શરૂઆતમાં જ જીડીપીમાં ઘટાડારૂપી આંચકો લાગ્યો છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બેઠકમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. જેમાં આર્થિક વિકાસ દરમાં આવેલા ઘટાડાનાં કારણોની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં તે વિકલ્પો ઉપર પણ ચર્ચા કરાઈ જેના કારણે ભારતીય અર્થતંત્રને ફરી પાટા પર લાવી શકાય અને વિકાસની ગતિમાં સુધારો થાય. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની શરૂઆતની બેઠકને સંબોધિત કરતાં પીએમ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડૉલર એટલે કે ૩૪,૯૪,૦૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

પીએમએ રાજ્યના મુખ્ય પ્રધાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આ લક્ષ્ય પડકારરૂપ છે. પરંતુ રાજ્ય સરકારોની મહેનતથી મેળવી શકાશે. પીએમે કહ્યું છે કે, રાજ્યોને પોતાની આર્થિક ક્ષમતા ઓળખવી પડશે અને જીડીપી ટાર્ગેટ વધારવા પર જોર આપવું પડશે. તેમણે કહ્યું કે, તેના માટે જિલ્લા સ્તરથી કામ કરવાની જરૂર છે.

વડા પ્રધાને કહ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસના મંત્રને લાગુ કરવા માટે નીતિ આયોગે મહત્વનો રોલ ભજવવો પડશે. આવક અને રોજગાર વધારવા માટે સાધનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, નિકાસ ક્ષેત્રે નોકરીઓ આપવાનું અને કમાણી વધારવી મહત્વની છે. જોકે, આ નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજી અને તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ હાજર રહ્યાં નથી.

આ પણ વાંચો : એક કાર્ડથી મેટ્રો યાત્રિકો ફરી શકશે દેશ આખામાં, મોદી સરકાર આપશે ભેટ

મમતા બૅનરજીએ બેઠકમાં સામેલ થવા પહેલાં ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નીતિ આયોગ પાસે કોઈ પણ પ્રકારના નાણાકીય અધિકાર નથી. જેથી નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાનો કોઈ મતલબ નથી. જ્યારે ચંદ્રશેખર રાવ તેલંગણામાં સિંચાઈની યોજનામાં વ્યસ્ત છે.

narendra modi national news bharatiya janata party