મહારાષ્ટ્રમાં એનસીપી-કૉન્ગ્રેસ વિપક્ષમાં બેસશેઃ જયંત પાટીલ

31 October, 2019 02:53 PM IST  |  મુંબઈ

મહારાષ્ટ્રમાં એનસીપી-કૉન્ગ્રેસ વિપક્ષમાં બેસશેઃ જયંત પાટીલ

જયંત પાટીલ

મહારાષ્ટ્ર એનસીપીના વડા જયંત પાટીલે બુધવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ અને સાથી પક્ષ કૉન્ગ્રેસ નાગરિકોના જનમત અનુસાર વિપક્ષમાં બેસશે. શિવસેનાના તેના સાથી પક્ષ બીજેપી સાથેના સંબંધો આગામી રાજ્ય સરકારમાં સત્તાની વહેંચણીના પ્રશ્ને તંગ બન્યા છે ત્યારે એનસીપી સરકાર રચવામાં ઉદ્ધવ ઠાકરેના પક્ષને ટેકો આપશે તેવી શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચાઓને પગલે પાટીલે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

જયંત પાટીલે જણાવ્યું હતું કે ‘લોકોએ અમને વિપક્ષમાં બેસવાનો જનમત આપ્યો છે અને અમે તે જવાબદારી નિભાવશું.’
એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે જણાવ્યું હતું કે ‘તેમનો પક્ષ સરકાર દ્વારા આચરવામાં આવેલી ભૂલો પર પ્રકાશ પાડશે. સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે કે કેમ તેના પર અમે દેખરેખ રાખીશું. સમાજના કોઈ પણ વર્ગ સાથે અન્યાય ન થાય તે અમે સુનિશ્ચિત કરીશું.’

મંગળવારે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે ‘જો બીજેપી રાજ્યની વિધાનસભામાં આંકડાઓ પુરવાર કરવામાં નિષ્ફળ જશે તો વૈકલ્પિક સરકારની રચના અંગે વિચાર કરી શકાય છે.’

આ પણ વાંચો : અયોધ્યા કેસ: સુપ્રીમના ચુકાદા પહેલાં યુપી પોલીસ, ખાનગી એજન્સીઓ હાઈ અલર્ટ પર

ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઠાકરેના પક્ષને સત્તાની વહેંચણીની ફૉર્મ્યુલાના ભાગરૂપે અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનનો હોદ્દો સોંપવાની ખાતરી આપી હોવાનો ઇનકાર કર્યો, તેના ગણતરીના કલાકો બાદ શિવસેનાએ સરકાર રચવા અંગે બીજેપી સાથેની તેની મુલાકાત રદ કરી હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપી ૧૦૫ બેઠકો જીતવા સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે અનુક્રમે ૫૬, ૫૪ અને ૪૪ બેઠકો મેળવી હતી.

national news nationalist congress party congress