એનસીપીને લાગશે ઝટકો : ત્રણ વિધાનસભ્ય શિવસેનામાં જોડાશે

26 August, 2019 11:21 AM IST  |  મુંબઈ

એનસીપીને લાગશે ઝટકો : ત્રણ વિધાનસભ્ય શિવસેનામાં જોડાશે

એનસીપી

રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એનસીપીમાંથી નેતાઓ નીકળવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો. લોકસભાની જેમ વિધાનસભામાં પણ બીજેપી-શિવસેના વિજયનું પુનરાવર્તન કરે એવી શક્યતા હોવાથી કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓ બીજેપી કે શિવસેનામાં જોડાઈ રહ્યા છે. મતદાર સંઘ જે પક્ષ પાસે હોય એને ધ્યાનમાં રાખીને નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એનસીપીના ત્રણ વિધાનસભ્ય શિવસેનામાં જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. આથી એનસીપીને મોટો ઝટકો લાગશે.

બાર્શીના એનસીપીના વિધાનસભ્ય દિલીપ સોપલ સહિત અન્ય બે વિધાનસભ્ય શિવસેનાના જોડાઈ શકે છે. આ સિવાય બોઇસરના બહુજન વિકાસ આઘાડીના વિધાનસભ્ય વિલાસ તરે પણ ગઈ કાલે શિવસેનામાં જોડાયા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમના બંગલામાં શિવબંધન બાંધીને હાથમાં ભગવો પકડાવ્યો હતો. બીજેપી-સેનાની યુતિમાં બાર્શી વિધાનસભા શિવસેનાએ માગી છે. આથી બીજેપી આ મતદાર સંઘ છોડી શકે છે. આથી પોતાના ભાષણ માટે જાણીતા દિલીપ સોપલ શિવસેનાની ટિકિટ પર અહીંથી ચૂંટણી લડે એવ‌‌ી શક્યતા જોવાઈ રહી છે.

લોકસભાની ચૂંટણી બાદથી જ કૉન્ગ્રેસ અને એનસીપીમાંથી મોટાં માથાંઓ સતત બહાર પડી રહ્યાં છે. તાજેતરમાં વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ બીજેપીમાં જોડાતાં ખળભળાટ મચી ગયો હતો. અકલૂજના એનસીપીના મોટા નેતા રણજિતસિંહ મોહિતે પાટીલે પણ બાદમાં બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. આ નેતાઓના જવાથી એનસીપીને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે.

national news nationalist congress party shiv sena