કર્ણાટક સરકારને બચાવવા મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવશે?

08 July, 2019 09:19 AM IST  |  બૅન્ગલોર | કર્ણાટક

કર્ણાટક સરકારને બચાવવા મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવશે?

અમેરિકાના પ્રવાસ બાદ ગઈ કાલે બૅન્ગલોર પરત ફરેલા કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી ઍરપોર્ટ પર પોતાના પ્રધાનો અને ધારાસભ્ય સાથે.

13 મહિના જૂની ગઠબંધન સરકારને બચાવવા માટે મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી પદ પરથી રાજીનામું આપી શકે છે. માનવામાં આવે છે કે કૉન્ગ્રેસ જેડીએસના ૧૩ ધારાસભ્યો રાજીનામાં પછી રાજકીય અસ્થિરતા રોકવા માટે કૉન્ગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગઠબંધન સરકારના નવા મુખ્ય પ્રધાન બની શકે છે. રાજીનામું આપનાર ૧૩ ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા છે.

તો બીજેપીએ કૉન્ગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામાને કૉન્ગ્રેસનો ડ્રામા ગણાવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું, કૉન્ગ્રેસ લાલચી સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન બનાવવા માટે આ ડ્રામા કરી રહ્યું છે.

કૉન્ગ્રેસના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને સલાહ આપી છે કે ગઠબંધન સરકાર બચાવવા માટે મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવી શકાય છે.

ખડગેને સમર્થન આપવા જેડીએસ તૈયાર

કૉન્ગ્રેસ-જેડીએસ ધારાસભ્યો બાદ દેવગૌડાએ શનિવારે રાતે સોનિયા ગાંધી સાથે વાત કરીને બીજેપીને સત્તામાંથી દૂર કરવા માટે ખડગેને સમર્થન આપવાની વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીએ રાતે જ પાર્ટીની કોર કમિટીની બેઠક બોલાવી હતી અને તેમાં ગૌડાના સૂચન પર વિચાર કર્યો હતો. બેઠકમાં ખડગેને કર્ણાટક મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી રાજ્યમાં ગઠબંધન સરકારને બચાવી શકાય.

કૉન્ગ્રેસ-જેડીએસ ગઠબંધન અપિવત્ર: બીજેપી

કેન્દ્રીય પ્રધાન જોશીએ કહ્યું કે, આ અપવિત્ર ગઠબંધન છે. કૉન્ગ્રેસ કુમારસ્વામીને મુખ્ય પ્રધાનપદ પરથી હટાવવા માટે આ કરી રહી છે. સાથે જ ધારાસભ્યોનાં રાજીનામાં પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાના આરોપ અંગે જોશીએ કહ્યું કે, આ ખોટું છે, કૉન્ગ્રેસ પાર્ટીની પાસે હવે કોઈ નેતા વધ્યો નથી.

બીજેપીના રાજ્યમાં સરકાર બનાવવાના સવાલ પર કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ કહ્યું કે, રાજ્યપાલ નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર રાખે છે. બંધારણના મત હેઠળ જો તે અમને બોલાવે છે, તો અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ. અમે સૌથી મોટો પક્ષ છીએ. અમારી સાથે ૧૦૫ ધારાસભ્ય છે. જો બીજેપીની સરકાર બનશે તો યેદિયુરપ્પા મુખ્ય પ્રધાન બનશે.

આ પણ વાંચો : લખનઊથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકી, 29નાં મોત

ધારાસભ્યોનાં રાજીનામાં પાછળ બીજેપીનો હાથ, સરકાર બચી જશે: સિદ્ધારમૈયા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કૉન્ગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ નિવેદન આપ્યું છે. આજે તેમણે આરોપ લગાવતા કહ્યું કે કૉન્ગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ પાછળ બીજેપીનો હાથ છે. આ ઓપરેશન કમળ છે. અહીં બધું ઠીક છે. ગભરાવવાની જરૂર નથી. પ્રદેશમાં કૉન્ગ્રેસ અને જેડીએસની સરકાર રહેશે. સરકાર પર કોઈ સંકટ નથી.

national news karnataka