કાશ્મીરીઓ કલમ-370 દૂર થવાથી ખુશ : અજિત ડોભાલ

08 September, 2019 12:54 PM IST  |  નવી દિલ્હી

કાશ્મીરીઓ કલમ-370 દૂર થવાથી ખુશ : અજિત ડોભાલ

અજિત ડોભાલ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું કહેવું છે કે, મોટા ભાગના કાશ્મીરી કલમ ૩૭૦ હટવાથી ખુશ છે. તેઓ આ કલમ હટવાથી રોજગારી, સારું ભવિષ્ય અને આર્થિક પ્રગતિને ભવિષ્યમાં જોઈ રહ્યા છે. માત્ર કેટલાક અટકચાળા તત્વો તેનો વિરોધ કરી રહ્યા છે.

ડોભાલે કહ્યું હતું કે સેનાના અત્યાચારોનો તો કોઈ સવાલ જ ઊઠતો નથી, કારણ કે કાયદો અને વ્યવસ્થા તો જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેટલાક અર્ધલશ્કરી દળો સંભાળે છે. સેના તો આતંકવાદીઓ સામે લડવા માટે છે. હવે જમ્મુ-કાશ્મીર ૧૯૯ પોલીસ સ્ટેશનમાંથી ૧૦ જ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધને લગતા કેટલાક આદેશો અમલમાં છે.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પરેશાની ઊભી કરવા માટે કોશિશ કરી રહ્યું છે. અમને ૨૩૦ આતંકવાદીઓની જાણકારી મળી છે. તેમાંથી કેટલાકને પકડી લેવાયા છે. કેટલાકે ઘૂસણખોરી કરી છે. જોકે, અમે કાશ્મીરીઓને આતંકવાદીઓથી બચાવવા માટે કટિબદ્ધ છીએ. પાકિસ્તાનનું એક રેડિયો ટાવર સરહદથી ૨૦ કિમી દૂર છે. જેના થકી પાકિસ્તાનીઓ કાશ્મીરીઓને ઉશ્કેરણી કરવા માટે સંદેશા મોકલી રહ્યા છે. જેમ કે, હવે સફરજનની ટ્રકો દેશમાં રવાના થઈ રહી છે ત્યારે પાકિસ્તાનીઓ કાશ્મીરમાં પોતાના માણસોને મેસેજ મોકલી રહ્યા છે કે, કેટલી ટ્રકો જઈ રહી છે, તમે રોકી નથી શકતા? તમને બંગડીઓ મોકલી આપીએ?

આ પણ વાંચો : અમને તમારા પર ગર્વ છે, આખો દેશ તમારી સાથે છેઃ રાહુલ ગાંધી

ડોભાલે વધુમાં નેતાઓને નજરકેદ કરવા પર કહ્યું હતું કે, કાયદો-વ્યવસ્થાને લઈને સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નહોતી. આ નેતાઓ જો જાહેરસભાઓ કરે તો તેનો ફાયદો આંતકવાદીઓ ઉઠાવતા. કોઈ પણ નેતાને દેશદ્રોહ કે બીજા કોઈ અપરાધ હેઠળ નજરકેદ કરાયા નથી. લોકતંત્રને લાયક વાતાવરણ બનશે નહીં ત્યાં સુધી તેઓ નજરકેદ રહેશે. મને વિશ્વાસ છે કે બહુ જલદી કાશ્મીરમાં વાતાવરણ નોર્મલ થઈ જશે. અમે જે પણ કર્યું છે તે કાયદાની મર્યાદામાં કર્યું છે. નેતાઓ ઈચ્છે તો નજરકેદને કોર્ટમાં પડકારી શકે છે.

india pakistan kashmir