મહારાષ્ટ્ર: ધૂલેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 6ના મોત

31 August, 2019 12:31 PM IST  | 

મહારાષ્ટ્ર: ધૂલેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 6ના મોત

(PIC-ANI)

મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના વહાડીમાં એક કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકેદાર વિસ્ફોટના કારણે 6 લોકોના મોત જ્યારે 43 લોકોના ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે કેમિકલ ફેક્ટરીમાં લાગેલા સિલેન્ડર એક સાથે ફાટ્યા અને ધડાકાભેર વિસ્ફોટ થયો. આ ધડાકાનો અવાજ 2 કિલોમીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટની જાણ સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવી હતી. વિસ્ફોટ પછી આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં આશરે 100 મજૂરો કામ કરી રહ્યાં હતા. ઘટના પછી પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને ફેક્ટરીમાંથી બહાર કાઢીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધૂલેના પોલીસ અધિક્ષક વિશ્વાસ પંધારેએ 6 લોકોના મોત અને 43 લોકોના ઈજાગ્રસ્ત થયા હોવાની વાતને સમર્થન આપ્યું છે. ઈજાગ્રસ્ત મજૂરોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં ફરી એકવાર ભયંકર આગ, ફાયર ફાઈટરની 18 ગાડીઓ પહોંચી

ઉલ્લેખનીય છે કે શનિવાર સવારે સુરતના પાંડેસરામાં આવેલી એક કાપડની ફેક્ટરીમાં પણ આગ લાગી હતી. આગની માહિતી સાથે જ ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

national news gujarati mid-day