જાણો કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, આ છે કેટેગરી

07 January, 2019 05:31 PM IST  |  નવી દિલ્હી

જાણો કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, આ છે કેટેગરી

ફાઇલ ફોટો

લોકસભા ચૂંટણીના બરાબર પહેલા મોદી સરકારે સવર્ણોને અનામત આપવાનું એલાન કરીને એક મોટો દાવ રમી લીધો છે. વર્ષ 2019ની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લઈને મોદી સરકારે પછાત સવર્ણો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ માટે બંધારણમાં સંશોધનની તૈયારી કરી લેવામાં આવી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે આ અનામત હેઠળ કોણ આવશે અને કોણ નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પછાત સવર્ણોને અનામત આપવા માટે સરકારે કેટલાક માપદંડો બનાવ્યા છે. અનામત ફક્ત તે જ સવર્ણોને મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત અનામતના હકદાર તેઓ જ રહેશે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે. સૂત્રો પ્રમાણે, EWS કેટેગરી પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. એટલે કે અનામતનો ફાયદો કોને મળશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે.

અનામત હેઠળ આવશે આ સવર્ણો

- આઠ લાખથી ઓછી આવક હોય
- કૃષિભૂમિ 5 હેક્ટરથી ઓછી હોય
- ઘર હોય તો 1000 સ્ક્વેરફૂટથી ઓછું હોય
- નિગમમાં રહેણાંક પ્લોટ હોય તો 109 યાર્ડથી ઓછી જમીન હોય
- નિગમની બહારનો પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય

 

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, સવર્ણોને 10% અનામતની મંજૂરી

 

બંધારણમાં સુધારા કરવા પડશે

મોદી સરકાર સવર્ણ અનામત આર્થિક આધાર પર લાવી રહી છે, જેની હજુ બંધારણમાં વ્યવસ્થા નથી. એટલા માટે સરકારને અનામત લાગુ કરવા માટે બંધારણમાં સુધારા કરવા પડશે. બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવામાં આવશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરીને આર્થિક આધાર પર અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ સરકારના આ નિર્ણયને સામાન્ય જનતા સાથે મજાક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય ફક્ત લોકોને બેવકૂફ બનાવવા માટે છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે સાધારણ બિલ પાસ નથી થતું તો આ કેવી રીતે પાસ થઈ શકશે.

national news narendra modi