કર્ણાટકના નેતા ડી. કે. શિવકુમારનો ચોંકાવનારો ખુલાસો

14 September, 2019 11:03 AM IST  |  નવી દિલ્હી

કર્ણાટકના નેતા ડી. કે. શિવકુમારનો ચોંકાવનારો ખુલાસો

ડી. કે. શિવકુમાર

નવી દિલ્હી : (જી.એન.એસ.) કૉન્ગ્રેસ પક્ષના સંકટમોચક ગણાતા કર્ણાટકના કદાવર નેતા અને ભૂતપૂર્વ મંત્રી ડી. શિવકુમારે ગુરુવારે તબિયત બગડવાની ફરિયાદ કરતા તેમને દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ ઈડી શિવકુમારને મોડી રાત્રે હૉસ્પિટલની બહાર લાવી હતી અને તુઘલક રોડ પોલીસ મથકે લઈ ગઈ હતી.

શિવકુમારની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા દસ્તાવેજો દ્વારા ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે શિવકુમારે મની લૉન્ડરિંગ દ્વારા જે અઢળક પૈસા મેળવ્યા હતા એ પાટનગર નવી દિલ્હીમાં કૉન્ગ્રેસના વડામથકમાં જમા કરાયા હતા.

અત્રે મહત્ત્વનું છે કે છેલ્લા નવ દિવસથી શિવકુમાર ઈડીના કબજામાં છે. તેમની પૂછપરછ કરવા માટે ખાસ કોર્ટના જસ્ટિસ અજયકુમાર કુહારે ઈડીને શિવકુમારની પૂછપરછ કરવા માટે કસ્ટડી સોંપી હતી. કોર્ટે કહ્યું હતું કે શિવકુમાર સામેના આક્ષેપો ગંભીર પ્રકારના છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઇન્કમટૅક્સ વિભાગે ગયા વરસે શિવકુમાર સામે કરોડોની રકમની હેરફેર હવાલા મારફત સગેવગે કરી હોવાના આરોપ મૂક્યા હતા અને ખાસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તેમના પર કરચોરીના પણ ગંભીર આક્ષેપો કરાયા છે.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

અત્રે એ યાદ અપાવવું ઘટે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે જે બૅન્ગલોરકાંડ થયું હતું, જેમાં ગુજરાત કૉન્ગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરથી બૅન્ગલોર લઈ જવાયા હતા. ત્યારે તે તમામ ધારાસભ્યોને બૅન્ગલોરસ્થિત શિવકુમારના ફાર્મ હાઉસ પર રોકવામાં આવ્યા હતા.

karnataka new delhi national news