દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ ઝીણાનું મોટું યોગદાન : શત્રુઘ્ન સિંહા

28 April, 2019 07:51 AM IST  |  છિંદવાડા | (જી.એન.એસ.)

દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ ઝીણાનું મોટું યોગદાન : શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહા

કૉંગ્રેસની ટિકિટ પર બિહારની પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિંહાએ મોહમ્મદઅલી ઝીણાની પ્રશંસા કરી છે. શત્રુઘ્ન સિંહાએ મધ્ય પ્રદેશના છિંદવાડાના સૌસરમાં એક ચૂંટણીસભાને સંબોધન કરતાં કહ્યું કે ભારતની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ ઝીણાનું પણ યોગદાન છે.

આ દરમિયાન મંચ પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ પણ ઉપસ્થિત હતા. છિંદવાડા બેઠક પરથી આ વખતે કમલનાથના પુત્ર નકુલનાથને કૉંગ્રેસે ટિકિટ આપી છે. કૉંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે કૉંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઇને સરદાર વલ્લભભાઇ પટેલ સુધી, મોહમ્મદ અલી ઝીણાથી લઇને જવાહરલાલ નહેરુ સુધી, ઇન્દિરા ગાંધીથી લઇને રાજીવ ગાંધી અને રાહુલ સુધીની પાર્ટી છે. કૉંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ ભાજપ છોડવાને લઇને એક વાર ફરી નિશાન સાધ્યું હતું. શત્રુઘ્ન સિંહાએ પોતાના આગવા અંદાજમાં કહ્યું કે કંઇક તો મજબૂરી રહી હશે, નહીં તો કોઇ આમ જ બેવફા નથી હોતું.

મારી જીભ લપસી ગઈ હતી : શત્રુઘ્ન સિંહાની સ્પષ્ટતા

બીજી બાજુ શનિવારે શત્રુઘ્ન સિંહાએ આ સમગ્ર મામલે કહ્યું હતું કે મારી જીભ લપસી ગઈ હતી, હું મૌલાના આઝાદ કહેવા માગતો હતો પરંતુ મારાથી મોહમ્મદઅલી ઝીણા કહેવાઈ ગયું.

શત્રુઘ્ન કૉંગ્રેસમાં જતાં જ ઝીણાનાં વખાણ કરવા લાગ્યા : અમિત શાહ

શત્રુઘ્નના આ નિવેદનને લઈને ભારે વિવાદ સર્જા‍યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે જ્યારે શત્રુઘ્ન ભાજપમાં હતા ત્યારે રાષ્ટ્રપ્રેમની વાતો કરતા હતા પણ કૉંગ્રેસમાં જતા જ ઝીણાના વખાણ કરી રહ્યા છે. મનોજ તિવારીએ પણ શત્રુઘ્ન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે જે લોકો ઝીણા પર ગવર્‍ કરી રહ્યા છે તેઓ દેશની શું હાલત કરશે તે પણ વિચારવા જેવી બાબત છે.

આ પણ વાંચો : દિલ્હી: જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને પરિવારોનું કેન્ડલ માર્ચ

કૉંગ્રેસે સિંહાના નિવેદનને વ્યક્તિગત કહ્યું

શત્રુઘ્નના નિવેદન બાદ ભાજપ ગેલમાં આવી ગયો હતો. બિહારીબાબુના નિવેદન પર બિહાર ભાજપે કહ્યું હતું કે બિહારના સંસ્કાર ઝીણાની તરફદારી કરી શકે નહીં. શત્રુઘ્ન સિંહાએ તો ઝીણાને આઝાદીના નાયક પણ ગણાવી દીધા છે. સામા પક્ષે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે એક નિવેદનમાં કહ્યું હતું કે એ નિવેદન સિંહાનું વ્યક્તિગત નિવેદન હતું.

shatrughan sinha national news congress