રાજ્યપાલની ત્રાસવાદીઓને અપીલથી વિવાદ: કાશ્મીરને લૂંટનારાઓને હણો

22 July, 2019 08:31 AM IST  | 

રાજ્યપાલની ત્રાસવાદીઓને અપીલથી વિવાદ: કાશ્મીરને લૂંટનારાઓને હણો

સત્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આતંકવાદીઓને અપીલ કરી હતી કે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં પોલીસના જવાનો અને એસપીઓને પોતાનું નિશાન ના બનાવે. તેમની હત્યા ના કરે. મલિકે કહ્યું હતું કે, જો આતકવાદીઓએ હત્યા કરવી હોય તો રાજ્યને લૂંટનારા લોકોની હત્યા કરે. તેઓ એવા લોકોને પોતાનું નિશાન બનાવે જેઓ ભ્રષ્ટાચારી છે અને જમ્મુ-કાશ્મીરને લૂંટી રહ્યાં છે.

સત્યપાલ મલિકે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આતંકવાદીઓ સામાન્ય લોકોને મારે છે. પોલીસ જવાનોને પણ મોતને ઘાટ ઉતારે છે અને એસપીઓને પણ. તમે તમારા લોકોને જ કેમ મારી રહ્યાં છો? મારવા હોય તો એ લોકોને મારો જેમણે તમારા રાજ્યને લુંટ્યુ છે. જેમણે કાશ્મીરની દોલત જ લૂંટી લીધી છે. તમે આમાથી કોઈને માર્યા?

તેમણે ઉમેર્યું હતું કે, નિર્દોષ લોકો કારણ વગર જ તેમના જીવ ગુમાવી રહ્યાં છે. આમ કરવાથી કંઈ નહીં વળે. બંદૂકો આંચકી લેવાથી કંઈ નહીં વળે. એલટીટીઈ પણ કંઈ જ ના કરી શક્યું બંદૂકો આંચકીને.

સત્યપાલ મલિકે કહ્યું હતું કે, કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા છે તો તે છે ભ્રષ્ટાચાર. કાશ્મીરમાં જેટલા પૈસા આવે છે તેટલા જો લોકોના કામ માટે ખર્ચવામાં આવ્યા હોત તો આજે કાશ્મીર સોનાનું હોત. અહીં નેતાઓ પાસે એટલા તો પૈસા છે કે તેની કોઈ સીમા જ નથી. આ લોકોના મોટા મોટા મકાનો છે. અનેક કરોડોની સંપત્તિઓ છે, પરંતુ જે ગરીબ કાશ્મીરી છે, જે અમરનાથ યાત્રામાં ટટ્ટુઓ ચલાવે છે તેમના શરીર પર તો સ્વેટર પણ નથી.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

આમ સામાન્ય નાગરિકો નહીં પણ ભ્રષ્ટ નેતાઓને આતંકીઓને કરેલી અપીલ બદલ રાજ્યપાલ સત્યપાલ મલિક વિવાદમાં સપડાયા છે.