જીએસટી કાયદો છે, એને ગાળ ન આપો : નિર્મલા સીતારમણ

13 October, 2019 12:57 PM IST  |  પુણે

જીએસટી કાયદો છે, એને ગાળ ન આપો : નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

સામાન્ય રીતે શાંત અને ચહેરા પર સ્મિત સાથે વાત કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુડ્‌સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ની ખરાબી સાંભળીને રોષે ભરાયાં હતાં. આ દરમ્યાન તેમણે જીએસટીમાં ખામીઓનો સ્વીકાર કરતાં કહ્યું કે આ દેશનો કાનૂન છે, એને ગાળો આપી શકાતી નથી.

નિર્મલા સીતારમણે પુણેમાં કારોબારીઓ અને ઉદ્યમીઓ સાથે મુલાકાત કરી હતી અને સવાલના જવાબ આપી રહ્યાં હતાં. એ દરમ્યાન એક કારોબારી જીએસટી પર ખરી-ખોટી સંભળાવવા માંડ્યો હતો. કારોબારીએ કહ્યું કે જીએસટી ગુડ ઍન્ડ સિમ્પલ ટૅક્સ હોવો જોઈતો હતો, પણ એમાં કમીઓને કારણે તમામ લોકો સરકારને દોષ દઈ રહ્યા છે. પહેલાં તો સીતારમણ ધ્યાનથી સાંભળતાં રહ્યાં, પણ સતત ટીકા બાદ તેમની ધીરજ ખૂટી જતાં તેમણે કહ્યું, ‘આપણે જીએસટીને ગાળો ન આપી શકીએ. એ સંસદ અને દેશની તમામ વિધાનસભાઓમાં પાસ થયું છે. એમાં ખામી હોઈ શકે છે. થઈ શકે કે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હોય, પણ મને માફ કરી દેજો. એ હવે દેશનો એક કાનૂન છે.

લાંબા સમય બાદ આ દેશમાં તમામ પાર્ટીઓ અને સરકારોએ મળીને કામ કર્યું છે અને જીએસટી લઈને આવ્યા છે. બની શકે કે તમને કોઈ એવો અનુભવ રહ્યો હોય જેના પર આપ એમ કહો છો, પણ અચાનક આપણે એવું ન કહી શકીએ કે આ કેટલું ખરાબ સ્ટ્રક્ચર છે. હાલમાં ફક્ત બે વર્ષ થયાં છે. હું ઇચ્છું છું કે તમે પહેલા દિવસથી સમગ્ર રીતે સંતુષ્ટ હતા, પણ હું માફી માગું છું કે એ તમને સંતુષ્ટ ન કરી શક્યો. આપણે બધા એમાં પાર્ટી છીએ, આવો એની જવાબદારી લઈએ અને એને સારું બનાવવા માટે યોગદાન આપીએ.’

આ પણ વાંચો : દિલ્હીમાં મોદીની ભત્રીજીનું પર્સ ઝૂંટવીને લૂંટારા ફરાર

જોકે આ સાથે તેમણે કારોબારીઓને દિલ્હી આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું.

goods and services tax nirmala sitharaman national news