પાક. હુમલાના સ્થળને પ્રતિબંધિત કરીને સંતાડી રહ્યું હોવાનો ભારતનો આરોપ

10 March, 2019 08:04 AM IST  | 

પાક. હુમલાના સ્થળને પ્રતિબંધિત કરીને સંતાડી રહ્યું હોવાનો ભારતનો આરોપ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર

ભારત સરકારે ફરી એક વાર દાવો કર્યો છે કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાનો હુમલો સફળ રહ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાને પત્રકારોને એ સ્થળે જવા નથી દીધા. એનાથી ખબર પડે છે કે એવી ઘણીબધી વાતો છે જેને પાકિસ્તાન સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાને સમાચાર એજન્સી રૉઇટર્સના પત્રકારોને સુરક્ષાનાં કારણોસર એ મદરસા સુધી નહોતા જવા દીધા જ્યાં ભારતે હુમલો કર્યાનો દાવો કર્યો હતો.

રવીશ કુમારે એમ પણ કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એક જ્-૧૬ પ્લેનને પણ તોડી પાડ્યું હતું. ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. ભારતીય લશ્કરના જણાવ્યા પ્રમાણે હુમલો સફળ રહ્યો હતો તો પાકિસ્તાનનું એવું કહેવું હતું કે આ હુમલામાં કેટલાંક વૃક્ષોને જ નુકસાન પહોંચ્યું હતું.

નયા પાકિસ્તાન આતંકવાદ સામે નવી કાર્યવાહી પણ કરે : ભારત

ભારતે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પર ફરી એક વાર પાકિસ્તાને ઘેર્યું છે. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન હજી પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી નથી કરી રહ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન નયા પાકિસ્તાન હોવાનો દાવો કરે છે કે એણે આતંકવાદી સંગઠનો સામે નવી કાર્યવાહી પણ કરવી જોઈએ. પાકિસ્તાનના વિદેશપ્રધાન જે પ્રકારે જૈશ-એ-મોહમ્મદને લઈને વાત કરે છે એનાથી ખબર પડે છે કે પાકિસ્તાનનો આતંકવાદીઓ સામેનો અભિગમ કેવો છે. અમે આતંકવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ રાખીશું. અમારી સેના સતર્ક રહેશે.’

આ પણ વાંચોઃ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગવા બદલ રાહુલને શરમ આવવી જોઈએ : અમિત શાહ

 રવીશ કુમારે વધુમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાન પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની ના પાડે છે. શું પાકિસ્તાન જૈશના પ્રવક્તની જેમ વાત કરી રહ્યું છે તેમ જ એને બચાવવાનો પ્રયત્ન કરે છે?’

national news pakistan