ભારત-બંગલા દેશ વચ્ચે જળ, શિક્ષણ સહિત સાત મહત્વપૂર્ણ કરાર થયા

06 October, 2019 12:07 PM IST  |  નવી દિલ્હી

ભારત-બંગલા દેશ વચ્ચે જળ, શિક્ષણ સહિત સાત મહત્વપૂર્ણ કરાર થયા

ભારતના વડા પ્રધાન મોદી અને બંગલા દેશના પીએમ શેખ હસીના

ભારત અને બંગલા દેશ વચ્ચે શનિવારે સાત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના વડા પ્રધાન મોદી અને બંગલા દેશના પીએમ શેખ હસીનાએ ત્રણ પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ સાથે જ ભારત અને બંગલા દેશ વચ્ચે સંબંધનો નવો અધ્યાય શરૂ થયો છે. ભારતે બંગલા દેશથી એલએનજી ગૅસ આયાત કરીને પૂર્વોત્તર રાજ્યોને પહોંચાડવા માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ભારત અને બંગલા દેશના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં આ મુલાકાત યોજાઈ હતી. બન્ને દેશોએ જળ સંસાધન, યુવા બાબતો, સાંસ્કૃતિક, શિક્ષણ અને દરિયાકાંઠા પર સર્વેક્ષણ સહિતનાં ક્ષેત્રે સાત જેટલા મહત્ત્વના કરાર કર્યા હતા.

બંગલા દેશનાં પીએમ શેખ હસીના સાથેની મુલાકાત વિશે વડા પ્રધાન મોદીએ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે ભારત બંગલા દેશ સાથેના સંબંધોને મહત્ત્વ આપે છે અને સતત વધી રહેલા સહયોગથી બન્ને રાષ્ટ્રો સમગ્ર વિશ્વને એક આદર્શ પાડોશી દેશોનું ઉદાહરણ પૂરું પાડશે. આજની મુલાકાતથી આગામી સમયમાં બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય સંબંધ વધુ ઉર્જાવાન બનશે.

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં બન્ને દેશોએ ૧૨ પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા જે પૈકી ત્રણ પ્રોજેક્ટ્સનું આજ રોજ ઉદ્ઘાટન કરાયું. આ પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

દરમ્યાન, બંગલા દેશનાં વડા પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી દરિયાઈ સુરક્ષા, નાગરિક પરમાણુ ઊર્જા અને વેપાર ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ બંગલા દેશનાં પીએમ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત તરફથી બંગલા દેશને ઉચ્ચ પ્રાથમિકતાની ખાતરી આપી હતી. બંગલા દેશનાં પીએમ હસીના ગુરુવારે ભારત આવી પહોંચ્યાં હતાં. બે દિવસ તેમણે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપી હતી.

narendra modi national news sheikh hasina bangladesh