વડા પ્રધાન મોદી લાલ કિલ્લા પર છઠ્ઠી વાર ધ્વજવંદન કરી દેશને સંબોધશે

15 August, 2019 07:47 AM IST  |  નવી દિલ્હી

વડા પ્રધાન મોદી લાલ કિલ્લા પર છઠ્ઠી વાર ધ્વજવંદન કરી દેશને સંબોધશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

આજે દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી આ દિવસની ઉજવણી કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો સ્વતંત્રતા દિવસ સમારોહ છે.

જોકે આ વખતના વડા પ્રધાનના ભાષણમાં નવી વાત એ છે કે લોકોએ આપેલા સૂચનના આધારે તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે. મોદી કોઈ નવી જાહેરાત કરશે કે કેમ એને લઈને ભારે ઉત્સુકતા છે. મોદીએ ટ્વીટ કરીને સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે શું ભાષણ આપવું એનાં સૂચનો મગાવ્યાં હતાં.

સુરક્ષાને ધ્યાનમાં રાખી લાલ કિલ્લાની આસપાસ હોટ ઍર બલૂન, હેલિકૉપ્ટર, નાનાં વિમાનો ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વડા પ્રધાનના આવાસથી લઈને લાલ કિલ્લા સુધી લોખડી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકૉપ્ટર તહેનાત રાખવામાં આવનાર છે.

પ્રધાનમંત્રીના રૂપમાં બીજા કાર્યકાળના પહેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદી આવતાં પાંચ વર્ષ સુધીના સરકારના વિઝનની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન પીએમ મોદી બદલાતા ભારતની જરૂરિયાત પર નવી જાહેરાત કરી શકે છે.

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળમાં સંસદના પહેલા સત્રમાં જ જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવાને લઈને આખા દેશમાં જશ્નનો માહોલ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી દેશવાસીઓને કલમ ૩૭૦ અને જમ્મુ-કાશ્મીરની અત્યારની સ્થિતિ વિશે વાત કરી શકે છે. કાશ્મીરમાં ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ હડબડાયેલા પાકિસ્તાન દ્વારા ભારત પર લગાડવામાં આવેલા પ્રતિબંધો પર પણ વાત કરી શકે છે.

પાકિસ્તાને કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ ઇસ્લામાબાદથી ભારતના હાઈ કમિશ્નરને પરત મોકલ્યા છે. આ સાથે પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કર્યો છે અને સમઝૌતા એક્સપ્રેસને પણ રોકી છે. આવામાં ભારતના પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર શું કહેશે તે પણ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના ભાષણમાં પાકિસ્તાન અને વિદેશી સંબંધો પર પણ મોટી જાહેરાત થઈ શકે છે.

વરસાદના કારણે દેશના ઘણા ભાગોમાં પૂરના સમાચાર છે. દેશનાં ઘણાં રાજ્યોમાં પૂર હજી પણ છે. કુલ મળીને ૯ રાજ્યોમાં પૂરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી અલગ-અલગ અકસ્માતમાં ૧૮૦થી વધારે લોકોનાં મોત થયાં છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સૌથી વધારે પ્રભાવિત છે. રાષ્ટ્રીય ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમો સતત રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાન-માલની ઘણી હાનિ થઈ છે. આવામાં દેશવાસી પીએમ મોદીથી આશા કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી પૂરગ્રસ્ત રાજ્યોની મદદ માટે મોટી જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : આઝાદી બાદ આવું ભારત ઈચ્છતા હતા જવાહરલાલ નેહરુ અને ગાંધીજી

દરેક ગામમાં તિરંગો ફરકાવવા જમ્મુ-કાશ્મીર રાજ્યપાલનો સરપંચોને આદેશ

જમ્મુ અને કશ્મીર હવે ભારતનાં રાજ્ય રહ્યાં નથી, પણ ભારત સરકારે એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દીધાં છે. ત્યાં ગુરુવારે ૧૫ ઑગસ્ટના ભારતના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે.
જમ્મુ-કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે તમામ ડેપ્યુટી કમિશનરોને આદેશ આપ્યો છે કે તેઓ પ્રદેશના પ્રત્યેક ગામના સરપંચને આદેશ આપે કે ગુરુવારે તેઓ સંબંધિત ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે.

narendra modi red fort independence day national news