રામકથા મંડપમાં એકસાથે ૯૫ દીકરીઓનો લગ્નોત્સવ

08 March, 2020 07:22 AM IST  |  Ahmedabad

રામકથા મંડપમાં એકસાથે ૯૫ દીકરીઓનો લગ્નોત્સવ

પ્રયાગરાજમાં મોરારિબાપુની રામકથામાં ગઈ કાલે આરતી ઉતારી રહેલાં નવયુગલ દંપતીઓ.

વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુએ ગઈ કાલે પ્રયાગરાજમાં તેમની રામકથા દરમ્યાન મંગલાષ્ટક ગાઈને આશીર્વચન આપીને એકસાથે ૯૫ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં હતાં. રામકથામાં પહેલી વખત આવું મંગલ કાર્ય થયું છે જેમાં એકસાથે ૯૫ યુગલોએ વ્યાસપીઠના સન્મુખ મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યાં હોય.

ઉત્તર પ્રદેશના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પ્રયાગરાજમાં મોરારિબાપુની રામકથામાં કથામંડપમાં ૭૫,૦૦૦ જેટલા ભાવિકોની ઉપસ્થિતિમાં ગઈ કાલે ૯૫ દીકરીઓનો લગ્નોત્સવ હર્ષોલ્લાસપૂર્વક યોજાયો હતો. ગઈ કાલે સવારે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ મંગલાષ્ટક ગાઈને કહ્યું હતું કે ‘હું મારી આ ૯૫ દીકરીઓ માટે સૌપ્રથમ મંગલાષ્ટક ગાઉં અને પછી તેમની લગ્નવિધિ સંપન્ન થાય.’
પ્રયાગરાજમાં મોરારિબાપુની રામકથા દરમ્યાન બીજી માર્ચે કથાના યજમાન મદન પાલીવાલની દીકરીનાં લગ્ન કથામંડપમાં થયાં હતાં એ વખતે મોરારિબાપુએ ભાવપૂર્વક અપીલ કરી હતી કે ‘આ કથા વિરામ પામે એ પહેલાં ૭ માર્ચે પ્રયાગરાજ અને એની આસપાસના વિસ્તારોમાં જે કોઈ વંચિત પરિવાર હોય તેમની દીકરીઓનાં લગ્ન કથામંડપમાં યોજાય.’

મોરારિબાપુની આ અપીલને પ્રતિસાદ સાંપડ્યો હતો અને ગઈ કાલે રામકથા મંડપમાં ૯૫ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. વ્યાસપીઠ સન્મુખ ગણિકાની પુત્રી તેમ જ મુસ્લિમ પરિવારની દીકરી પણ લગ્નગ્રથિથી જોડાઈ હતી. મુસ્લિમ દીકરીના નિકાહમાં મૌલાના પણ ઉપસ્થિત હતા.

મોરારિબાપુએ આ પ્રસંગે આશીર્વચન આપતાં કહ્યું હતું કે ‘વ્યાસપીઠ ઇચ્છે છે કે એ હંમેશાં વંચિતો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચે. વ્યાસપીઠનું મહત્ત્વનું કાર્ય છે સૌનો સ્વીકાર. સમાજની અંતિમ વ્યક્તિઓને આદર સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં સમ્મિલિત કરવા વ્યાસપીઠ સદૈવ પ્રયત્નશીલ છે.’

રામકથાના સદ્કાર્ય સાથે સંકળાયેલા જયદેવ માંકડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાપુની રામકથા દરમ્યાન ઘણી વખત વ્યાસપીઠ સન્મુખ લગ્ન સંપન્ન થયાં છે, પરંતુ ગઈ કાલે આવું પહેલી વાર બન્યું છે કે એકસાથે ૯૫ દીકરીઓનાં લગ્ન બાપુની રામકથામાં સંપન્ન થયાં હોય. વ્યાસપીઠ સન્મુખ મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ સંપન્ન થઈ હતી અને યુગલો વ્યાસપીઠના ફેરા ફર્યા હતા.’

ahmedabad uttar pradesh national news