સંસદમાં ઇમરાનની જાહેરાત : પાકિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી

01 March, 2019 08:24 AM IST  | 

સંસદમાં ઇમરાનની જાહેરાત : પાકિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી

ઇમરાન ખાન

ગઈ કાલે પાકિસ્તાનની સંસદમાં વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોવાના સંદેશ શુક્રવારે ઇન્ડિયન ઍરફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના સંસદસભ્યોએ પાટલીઓ થપથપાવીને ઇમરાનની જાહેરાતનું સ્વાગત કર્યું હતું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનને શાંતિ અને વિકાસ જોઈએ છે. યુદ્ધ બન્ને દેશો માટે વિનાશ લાવશે. યુદ્ધ કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ નથી. તંગદિલી હળવી કરવાના અમારા પ્રયાસોને અમારી નબળાઈ ગણવાની જરૂર નથી.’

સંસદનાં બન્ને ગૃહોના સંયુક્ત સત્રમાં ઇમરાન ખાને કરેલી જાહેરાતના થોડા કલાકો પહેલાં વિદેશ મંત્રાલયે કરેલી જાહેરાતોને પગલે અભિનંદન વર્ધમાનની મુક્તિ બાબતે પરિસ્થિતિ અસ્પષ્ટ હતી. પાઇલટ અભિનંદનને આજે લાહોરમાં ભારતીય અધિકારીઓને સુપરત કરવામાં આવનાર હોવાનું પાકિસ્તાનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

ભારત દ્વિપક્ષી તંગદિલી અને લશ્કરી દળોનું દબાણ ઘટાડવા તૈયાર થાય તો પાઇલટ અભિનંદનને મુક્ત કરવાની શરત મૂકવામાં આવી હતી. તંગદિલી ઘટાડવા બાબતે ભારતના વડા પ્રધાન સાથે મંત્રણા માટે પાકિસ્તાનના વડા પ્રધાન તૈયાર હોવાનું પણ પાકિસ્તાનના વિદેશપ્રધાન મહમૂદ કુરૈશીએ જણાવ્યું હતું. વળી અભિનંદન વર્ધમાનને યુદ્ધકેદી ગણવાની વિચારણા ચાલતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

ગઈ કાલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘ભારતીય હવાઈ દળનો પાઇલટ અભિનંદન વર્ધમાન સુરક્ષિત અને સ્વસ્થ છે. અભિનંદનનું પ્લેન કાશ્મીરમાં ક્રૅશ થયા પછી તે બહાર નીકળ્યો ત્યારે સ્થાનિક લોકોનું ટોળું તેની પાછળ પડ્યું હતું. એ ટોળાના હાથોમાંથી પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોએ અભિનંદનને બચાવ્યો હતો.’

ભારતની લશ્કરી છાવણીઓ પર હુમલાના ઇરાદે આવેલા પાકિસ્તાની હવાઈ દળના F-૧૬ વિમાનને પાછું ખદેડવા ગયેલું ભારતનું મિગ-૨૧ વિમાન તોડી પાડવામાં આવ્યા પછી એનો પાઇલટ અભિનંદન પાકિસ્તાની સૈનિકોના તાબામાં હતો.

આ પણ વાંચો : પાકિસ્તાને રોકી સમઝૌતા એક્સપ્રેસ: અટારી બૉર્ડર પર અટક્યા 27 પ્રવાસીઓ

બુધવારે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કાર્યવાહક રાજદૂતને બોલાવીને ભારતીય હવાઈ દળના પાઇલટને પાકિસ્તાનની અટકાયતમાંથી તાત્કાલિક અને સુરક્ષિત રીતે છોડવાની માગણી કરી હતી. ભારતના સંરક્ષણ દળોના જવાનો કે કર્મચારીઓને કોઈ નુકસાન ન કરવાની સૂચના પણ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આપી હતી. ભારતના ઈજાગ્રસ્ત સૈનિકની તસવીરોના બીભત્સ પ્રદર્શન સામે તીવ્ર વાંધો ઉઠાવતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એ પ્રકારનું પ્રદર્શન માનવતાલક્ષી કાયદા અને જિનીવા સંધિનો ભંગ કરે છે.

imran khan pakistan india pulwama district national news