કોલ્હાપુરમાં ભારે વરસાદને કારણે 10,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

07 August, 2019 11:16 AM IST  | 

કોલ્હાપુરમાં ભારે વરસાદને કારણે 10,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

કોલ્હાપુરમાં ભારે વરસાદ

પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોનાં પાણી ભરાઈ જતાં શહેરના ૬૦૦૦ અને ગામડાંના ૪૫૦૦ મળીને ૧૦,૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ મુસીબત ટાળવા માટે ૮૫,૫૨૩ ગ્રાહકોનો વીજપુરવઠો હંગામી ધોરણે બંધ કર્યો હતો. કોલ્હાપુર-બેલગામ નૅશનલ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

પંચગંગા નદી સહિત કોલ્હાપુર જિલ્લાની કેટલીક નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી હતી. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને ફાયરબ્રિગેડને તૈયાર રહેવાની સૂચના આપવા ઉપરાંત પુણેથી લશ્કરી ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે રાહત અને બચાવકામગીરી માટે નૌકાદળની મદદ માગી છે. કોલ્હાપુરના કલેક્ટરના કાર્યાલય સહિત મહત્ત્વના અનેક ઠેકાણે અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. પશ્ચિમ મહારાષ્ટ્રનાં પુણે, સાતારા, કોલ્હાપુર અને સાંગલીનાં જિલ્લા વહીવટી તંત્રોએ ગઈ કાલે ભારે વરસાદને કારણે શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી હતી. કૃષ્ણા નદીમાં પૂરને કારણે સાતારા અને સાંગલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં હતાં. કોયના અને રાધાનગરી બંધમાંથી હજારો ક્યુસેક્સ પાણી છોડવામાં આવતાં કૃષ્ણા અને પંચગંગા નદીઓમાં જળસપાટી વધી હતી. કર્ણાટકમાં કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલા અલમાતી બંધમાંથી પણ ત્રણ લાખ ક્યુસેક્સ પાણી છોડવાની અનિવાર્યતા ઊભી થઈ હતી. કર્ણાટક તરફથી પણ પાણીના ધસારાને કારણે પશ્ચિમ મહારાષ્ટ્રમાં વ્યાપક પ્રદેશ જળબંબાકાર થયો છે.

સાંગલી જિલ્લામાં અતિવર્ષા અને નદીઓમાં પૂરને કારણે સાથળ અને કમર સુધી પાણી ભરાતાં ૩૧,૭૮૩ લોકોને હોડીમાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એ ઉપરાંત ૯.૭૨૮ પશુઓને પણ બચાવીને રાહત-છાવણીઓમાં રાખવામાં આવ્યાં છે. સરકારી રાહત-છાવણીઓમાં ૧૭,૭૧૯ લોકો અને ૪૬૪૮ પશુઓને રાખવામાં આવ્યાં છે. અન્યત્ર ૧૪,૦૬૪ લોકો અને ૫૦૮૦ પશુઓનું હંગામી પુનર્વસન કરવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ માટે જિલ્લા સ્તરે કન્ટ્રોલરૂમ સ્થાપવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાને પૂર નિયંત્રણ અને બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરી

પશ્ચિમ મહારાષ્ટ્ર તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં પૂર નિયંત્રણ અને બચાવ તથા રાહત કામગીરીની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે યવતમાળમાં સમીક્ષા કરી હતી. ફડણવીસે સાંગલીમાં રાહત થાય એ માટે અલમાતી બંધમાંથી પાણી છોડતા રહેવાની વિનંતી કર્ણાટકની રાજ્ય સરકારને કરી હતી. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ‘મહા જનાદેશ યાત્રા’ માટે નીકળેલા મુખ્ય પ્રધાને પૂરની પરિસ્થિતિના ઉકેલ માટે લાંબા ગાળાના ઉકેલ શોધવા આજે સમીક્ષા-બેઠક યોજી છે.

 આ પણ વાંચો: નિધન પહેલા સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને કહ્યું કાલે આવી 1 રૂપિયો લઈ જજો

 મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કોલ્હાપુર અને સાંગલીમાં નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સ ઉપરાંત હવાઈ દળનાં હેલિકૉપ્ટર્સની પણ મદદ લેવાઈ છે. કોંકણના સિંધુદુર્ગના ડોડામર્ગ વિસ્તારમાં નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સની ટીમ મોકલવાની વિનંતી કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ પૂર નિયંત્રણ, બચાવ અને રાહત કામગીરી પર નિગરાણી રાખે છે. એ કામગીરી માટે હાલમાં મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રકાન્ત પાટીલ પૂરગ્રસ્ત ક્ષેત્રમાં પહોંચ્યા છે અને અન્ય પ્રધાનોને પણ એ કામગીરીમાં જોડાવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.'

gujarati mid-day mumbai