બીજેપી-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને મુખ્ય પ્રધાન બનાવો!

02 November, 2019 12:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

બીજેપી-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને મુખ્ય પ્રધાન બનાવો!

નવી દિલ્હી : (જી.એન.એસ.)મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવ્યાને આઠ દિવસ થઈ ગયા પણ સરકાર ગઠનનો કોઈ પણ રસ્તો હજી સ્પષ્ટ નથી થયો. સરકાર કોની બનશે અને મુખ્ય પ્રધાન કોણ થશે તે વાતને લઈને બીજેપી અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે. સત્તાની ખુરશીની આ ખેંચતાણ વચ્ચે એક ખેડૂતે પત્ર લખી બધાને ચોંકાવી દીધા. બીડ જિલ્લાના આ ખેડૂતે બીજેપી અને શિવસેના વચ્ચેના મતભેદો જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી તેને મુખ્ય પ્રધાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ખેડૂતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને નામે પત્ર લખ્યો છે અને બીડ કલેક્ટરને સોંપ્યો છે. કેજ તાલુકાના વડમૌલીના નિવાસી ખેડૂત શ્રીકાંત વિષ્ણુ ગડાલે કહ્યું કે એક તરફ ખેડૂતોની સમસ્યાનો કોઈ અંત નથી આવી રહ્યો અને બીજી તરફ શિવસેના અને બીજેપી મુખ્ય પ્રધાનપદના મુદ્દાનું નિવારણ નથી લાવી રહ્યા.

શ્રીકાંતે કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રાકૃતિક આપદાના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં તો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો ગળાડૂબ દેવાંમાં છે, પણ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પણ શિવસેના અને બીજેપી મુખ્ય પ્રધાનપદનો મુદ્દો નથી ઉકેલાયો.

શ્રીકાંતે પત્રમાં લખ્યું છે કે આ સમયે ખેડૂતો મુશ્કેલીમાં છે, ત્યારે જ્યાં સુધી બીજેપી-શિવસેના કોણ મુખ્ય પ્રધાન બનશે તે વાતને નક્કી નથી કરી શકતા ત્યાં સુધી મને મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવી દો. હું ખેડૂતોની સમસ્યાનો અંત લાવીશ અને તેમને ન્યાય અપાવીશ.

national news shiv sena bharatiya janata party