19000 કિલો બટાકા વેચ્યા પછી UPના ખેડૂત પાસે બચ્યા માત્ર રૂ.490

02 January, 2019 05:47 PM IST  |  આગ્રા

19000 કિલો બટાકા વેચ્યા પછી UPના ખેડૂત પાસે બચ્યા માત્ર રૂ.490

યુપીના બટાકાના ખેડૂતની દુર્દશાનો મામલો.

ખેડૂત એક એવો શબ્દ છે જે રાજકીય યુદ્ધમાં વારંવાર સાંભળવા મળે છે. હાલ પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે ખેડૂતો માટે ગાજીગાજીને દાવા કર્યા અને ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી. લગભગ તમામ પાર્ટીઓ ચૂંટણી પહેલા ખેડૂતોની દુર્દશાને લઈને ઘણું રાજકારણ અને દાવાઓ કરે છે. તેમ છતાંપણ ખેડૂતોની દશા જેમની તેમ જ છે. યુપીમાં હવે ખેડૂતોની દુર્દશાનો એક અનોખો મામલો સામે આવ્યો છે.

યુપીના આગ્રા શહેરમાં નંગલા નાથૂ બ્લોક બરૌલી આહીરમાં રહેતા ખેડૂત પ્રદીપ શર્મા પાસે 19,000 કિલો બટાકા વેચ્યા પછી માત્ર 490 રૂપિયા બચ્યા. તેને પણ ખેડૂતે પોતાની પાસે રાખવાને બદલે ડીડી બનાવીને વડાપ્રધાન ઓફિસ મોકલી દીધા. ખેડૂતના જણાવ્યા પ્રમાણે તે આ પૈસાનું કંઇપણ કરી શકે તેમ નથી. પરિણામે તેણે આ રકમ સરકારને મોકલી દીધી કે કદાચ તે દેશના જ કોઈ કામમાં આવી જાય.

પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે આકરી મહેનત કરીને બટાકાનો મોલ તૈયાર કર્યો હતો. આશા હતી કે તેના ખૂબ સારા ભાવ મળશે તો દેવું ખતમ થઇ જશે અને આગળની વાવણી માટે સારી તૈયારી કરી શકીશું. સાથે જ ઘરનો ખર્ચો પણ નીકળી જશે. તેનાથી વિપરીત જે કમાણી થઈ છે તેમાંથી દેવું ચૂકવવું તો દૂર, ખેતીમાં લાગેલા મજૂરોના પૈસા પણ ચૂકવી શકાય એમ નથી. ખાતર, દવા, સિંચાઈ અને વાવણીનો ખર્ચ પણ ન નીકળ્યો. ઘરખર્ચનું તો વિચારી પણ શકાય એમ નથી.

દેવું ચૂકવવા માટે જમીન વેચવા મજબૂર

ખેડૂત પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે, ખેતીના કારણે તેમના પર લગભગ 20 લાખ રૂપિયાનું દેવું થઈ ચૂક્યું છે. તેમના 3 બાળકો છે. એવામાં દેવું ચૂકવવું તો દૂર તેમની સામે બાળકોનું ભણતર અને ઉછેરનો પણ પડકાર ઊભો થઈ ગયો છે. પરિણામે તેમની સામે પોતાની જમીન વેચવા સિવાયકોઈ રસ્તો બચ્યો નથી. તેથી પ્રદીપે જિલ્લા એડમિનિસ્ટ્રેશનને તેની જમીન વેચવામાં મદદ કરવા માટે વિનંતી કરી છે. તેણે એડમિનિસ્ટ્રેશનને પણ તેની જમીન ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે. શર્માએ એડમિનિસ્ટ્રેશનને કહ્યું છે કે ચારગણા નહીં તો બેગણા ભાવ પર જ તેની જમીન વેચી દેવામાં આવે. જો સરકારી યોજનાઓ માટે જમીનની જરૂરિયાત છે તો તેના માટે પણ તે પોતાની જમીન વેચવા તૈયાર છે.

મહારાષ્ટ્રમાં વેચ્યા હતા બટાકા

પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે મહારાષ્ટ્રના બજારમાં બટાકા વેચ્યા હતા. તેમણે એક હેક્ટરમાં ખેતરમાં લગભગ 19,000 કિલો બટાકા ઉગાડ્યા હતા. આ તમામ બટાકા તેમણે મહારાષ્ટ્રમાં સારી કિંમત મળવાની આશાએ વેચ્યા હતા. બટાકા વેચ્યા પછી તેમણે બજાર સુધી તેના ટ્રાન્સપોર્ટેશન અને કોલ્ડ સ્ટોરેજનું પણ ભાડું આપ્યું. ત્યારબાદ તેની પાસે ફક્ત 490 રૂપિયી બચ્યા. ત્યારબાદ પ્રદીપ શર્માએ મંગળવારે આ રકમ વડાપ્રધાન ઓફિસને ડ્રાફ્ટ બનાવડાવીને મોકલી દીધી. શર્માના જણાવ્યા પ્રમાણે, સરકાર ખેડૂતોના ઉત્પાદનોના યોગ્ય ભાવ અપાવવાની વાત તો કરે છે પરંતુ એવું થતું નથી. એટલે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે.

uttar pradesh agra