જૂનમાં ચોમાસું નિષ્ફળ જતાં અડધા ભારતમાં દુકાળ જેવી સ્થિતિ

13 July, 2019 06:22 PM IST  |  મુંબઈ

જૂનમાં ચોમાસું નિષ્ફળ જતાં અડધા ભારતમાં દુકાળ જેવી સ્થિતિ

 

નવી દિલ્હી : (જી.એન.એસ.) જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં માત્ર ૧૭.૩૫ ટકા જ વરસાદ પડતાં અડધા દેશમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થવાનાં જોખમ દેખાય છે એવો ભય પુણેના હવામાન ખાતાએ વ્યક્ત કર્યો હતો. જોકે જુલાઈ મહિનામાં દેશના કેટલાક ભાગમાં સારો વરસાદ પડ્યો હતો, છતાં કેટલાક ભાગમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં એમ હવામાન ખાતાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની ૬૦ ટકા ખેતી વરસાદ પર આધારિત છે.

હવામાન ખાતાના જૂન મહિનાના આંકડા અનુસાર ચોમાસું બેસતાં ૧૯ જિલ્લા અથવા ૧.૫ ટકા વિસ્તાર અત્યંત સૂકા રહ્યા હતા. ૬.૩૧ ટકા અથવા ૪૮ જિલ્લા અત્યંત ભીના રહ્યા હતા અને ત્યાં પાણીનો સકારાત્મક દેખાવ રહ્યો હતો. જ્યાં વરસાદ પડ્યો નહોતો એવાં રાજ્યોમાં મિઝોરમ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ, મણિપુર, નાગાલૅન્ડ, તામિલનાડુ, તેલંગણ, કેરળ અને પંજાબ રાજ્યનો સમાવેશ હતો.

જો જુલાઈમાં વરસાદ પડે તો સ્થિતિમાં સુધાર આવી શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક ભાગમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડ્યો હતો. પહેલી જુલાઈથી નવમી જુલાઈ વચ્ચે સામાન્ય કરતાં ૧૮ ટકા વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ દક્ષિણનાં રાજ્યોમાં ૨૯.૮ ટકા ઘટ છે તો પૂર્વ અને પૂર્વોત્તરમાં ૫.૮ ટકા માઇનસ છે. મધ્ય ભારતમાં માત્ર ૯ જ દિવસમાં સરેરાશ કરતાં ૫૬.૫ ટકા વધુ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

જુલાઈ માટે લૉન્ગ પિરિયડ ઍવરેજના ૯૧ ટકાની આગાહી કરી હતી. કેટલાક સૂકા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડતાં સ્થિતિમાં સુધારો થયો હતો. બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે એમ હવામાન ખાતાના એક અધિકારીએ કહ્યું હતું.

national news