અગર યુતિ હોગી તો સાથી કો જિતાએંગે નહીં તો પટક દેંગે

07 January, 2019 09:00 AM IST  | 

અગર યુતિ હોગી તો સાથી કો જિતાએંગે નહીં તો પટક દેંગે

દેવેન્દ્ર ફડણવીસ

લોકસભાની ચૂંટણીમાં BJPએ શિવસેના સાથે યુતિની આશા છોડી દીધી હોય એવું ગઈ કાલે લાતુરમાં બૂથ-લેવલના કાર્યકર્તાઓના મેળાવડામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં નિવેદનો પરથી લાગી રહ્યું હતું. અત્યાર સુધી યુતિ જાળવી રાખવાની સલાહ આપનારા અમિત શાહે ગઈ કાલે ગળું ખોંખારીને કહ્યું હતું કે ‘અગર યુતિ હોગી તો સાથી કો જિતાએંગે, નહીં તો પટક દેંગે.’ બીજી બાજુ લોકસભાની આગામી ચૂંટણીમાં BJP મહારાષ્ટ્રની બધી જ ૪૮ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે સાથી પક્ષોએ જે બેઠક પર વિજય મેળવ્યો છે એ બેઠકો પર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખશે અને આવી સ્થિતિમાં પણ ૪૮માંથી ૪૦ બેઠક પર જીત મેળવશે.

BJPની સૌથી મોટી તાકાત છે કાર્યકર્તાઓ એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કાર્યકર્તાઓએ આજથી જ ચૂંટણીના મૂડમાં આવી જવાનું છે. લોકસભાની આગામી ચૂંટણીમાં રાજ્યમાં BJPને ઓછામાં ઓછા બે કરોડ વોટ મળવા જોઈએ અને જો આવું થશે તો ૨૦૧૪ કરતાં પણ મોટી બહુમતી મળશે. રાજ્યની તમામ ૪૮ લોકસભા બેઠકો પર BJPના ઉમેદવારો હશે. મિત્રપક્ષની બેઠકો પરથી પણ હવે BJP જ લડશે. ૪૮માંથી ઓછામાં ઓછી ૪૦ બેઠકો પર આપણે જીતવાનું છે. તેથી કાર્યકર્તાઓએ અત્યારથી જ શરૂઆત કરી દેવાની છે. મિત્રપક્ષ સાથે યુતિ કરીશું કે નહીં એ પાર્ટીના અધ્યક્ષનો વિષય છે, એમાં આપણે પડવાની જરૂર નથી.’

લોકસભા માટે શિવસેના સાથે યુતિ થાય એ માટે BJP છેલ્લા બે મહિનાથી અનેક પ્રયત્નો કરી રહી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાએ યુતિ બાબતે BJPને કોઈ પ્રતિસાદ આપ્યો નથી એટલે BJPએ યુતિની આશા છોડી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જાહેર મિલકતો પર કબજો જમાવીને બેસેલાઓ મોદીની ટીકા ન કરે: અમિત શાહ

આ પહેલાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી પર આકરાં વાગ્બાણ ચલાવતાં કહ્યું હતું કે જે લોકો જાહેર મિલકતો પર કબજો જમાવીને બેઠા છે તેમણે નરેન્દ્ર મોદીની ટીકા કરવી ન જોઈએ.

નૅશનલ હેરલ્ડ ન્યુઝપેપરના કેસમાં કોર્ટે‍ દિલ્હીમાં આવેલી ન્યુઝપેપરની જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે એના પ્રત્યે અમિત શાહનો સંકેત હતો.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીના પરિવારમાં પેઢીઓથી જ બધા લોકો ભ્રષ્ટાચારમાં ખરડાયેલા છે, જ્યારે મોદી પર એકેય ડાઘ નથી. અમારી પાસે ચાર વર્ષના કામનો હિસાબ માગનારાઓ પહેલાં પોતાની ચાર પેઢીએ કરેલા કામનો હિસાબ તો આપે.’

શિવસેના સાથેની યુતિ વિશે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે ‘વન પ્લસ વન ટૂ નહીં હોતા. યુતિ હોગી તો સાથી કો જિતાએંગે, નહીં તો પટક દેંગે.’

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો શાબ્દિક હુમલો

બીજી અને ત્રીજી માર્ચે ચૂંટણીનું નોટિફિકેશન

લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન બીજી અને ત્રીજી માર્ચે બહાર પડશે એમ BJP પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવેએ કહ્યું હતું. તેથી ચૂંટણીઓ જાહેર થવામાં માત્ર બે મહિનાનો સમય છે. એક તરફ કોન્ગ્રેસ-NCPએ ગઠબંધન કર્યું છે તેમ જ રાજુ શેટ્ટી અને પ્રકાશ આંબેડકરને પણ સાથે લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. છતાં BJP અને શિવસેનાની યુતિ થશે કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.

devendra fadnavis amit shah national news bharatiya janata party