કૉન્ગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિન્દુઓને ફસાવ્યા : વડા પ્રધાન મોદી

21 April, 2019 08:44 AM IST  | 

કૉન્ગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિન્દુઓને ફસાવ્યા : વડા પ્રધાન મોદી

ફાઈલ ફોટો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયામાં એક ચૂંટણીસભા સંબોધી હતી. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ નેપાળને અડીને આવેલી સીમાંચલની ભૂમિ પરથી કહ્યું કે કૉન્ગ્રેસ સરકારે મુંબઈ હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવાના સ્થાને હિન્દુઓને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. કૉન્ગ્રેસે વોટભãકતની રાજનીતિ કરવા માટે આ કામ કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, ‘નાતજાતના ભેદભાવ સિવાય આપણી ઓળખ એક ભારતીય તરીકેની છે. મેં પાંચ વર્ષ સુધી તમારી સેવા કરી છે. જે લોકોને ભારત માતાના જયકારાથી સમસ્યા હતી તેમને પહેલા બે ચરણના મતદાનમાં જવાબ મળી ગયો છે. હવે તેમના ચહેરા ઊતરેલા છે અને તેઓ હવે ઍર સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા નથી.

પીએમ મોદીએ કહ્યું કે ‘દેશભક્તિની રાજનીતિ શા માટે થાય છે તે તમે પહેલાં ઊરી અને બાદમાં પુલવામા હુમલા વખતે જોઈ લીધું હતું. પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને બાદમાં ઍર સ્ટ્રાઇક થઈ હતી. જે પાકિસ્તાન દુનિયામાં છાતી કાઢીને દાદાગીરી કરતું હતું તેને સમગ્ર વિશ્વમાં ભારતે નોખું પાડી દીધું છે. પ્રથમ ચરણના મતદાન બાદ વિરોધીઓના મોઢે તાળાં લાગી ગયાં છે, હવે તેઓ ઍર સ્ટ્રાઇકના પુરાવા નથી માગી રહ્યા, મતદાતાઓએ તેમનાં મોઢાં પર તાળાં મારી દીધાં છે.’

પીએમ મોદીએ ઉમેર્યું કે ‘સત્યને કોઈ આંચ આવતી નથી. પ્રથમ બે ચરણના મતદાનમાં જ તેમની જમીન ખસી ગઈ છે. બે ચરણોના જે સંભવિત પરિણામ આવી રહ્યાં છે ત્યારથી તેમણે વીર જવાનો પાસે પુરાવા માગવાનું બંધ કરી દીધું છે. હવે તો તેમને પહેલાં જેટલા સંસદમાં હતા એટલા પણ પાછા પહોંચશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે.’

પીએમ મોદીએ બિહારની એક સભામાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે તેના પર સવાલ ઉઠાવીને શું કૉન્ગ્રેસે શહીદ પોલીસ અધિકારીનું અપમાન નહોતું કર્યું ? મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કૉન્ગ્રેસના લોકો પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની જગ્યાએ હિન્દુઓને આતંકવાદ સાથે જોડી રહ્યા હતા.’

તેમણે કહ્યું હતું કે, ‘બાટલા હાઉસમાં જ્યારે પોલીસ ખાતાના જાંબાઝોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી ત્યારે ખુશ થવાની જગ્યાએ કૉન્ગ્રેસના મોટા મોટા નેતાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. શું તે શહીદોનું અપમાન નહોતું ?’

narendra modi Election 2019