કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ યાત્રા સામે ચીને વાંધો ઉઠાવ્યો

21 February, 2020 05:39 PM IST  |  Mumbai Desk

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ યાત્રા સામે ચીને વાંધો ઉઠાવ્યો

અરુણાચલ પ્રદેશની સ્થાપનાના પ્રસંગની ઉજવણીમાં અમિત શાહ ભાગ લેવા પહોંચ્યા હતા જેનો ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીનનું કહેવું છે કે શાહની યાત્રા બીજિંગની સ્થાનિક સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને અરસ-પરસના રાજકીય વિશ્વાસને તોડનારી છે. ચીને આ યાત્રાનો પુરજોર રીતે વિરોધ નોંધાવ્યો છે. શાહ અરુણાચલના ૩૪મા સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

ચીન અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબેટનો ભાગ માને છે અને તેની પર પોતાનો હક હોવાનો દાવો કરે છે તેમ જ ભારતના કોઈ નેતા આ વિસ્તારમાં યાત્રા કરે તો ચીન વિરોધ નોંધાવે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે એક પ્રશ્નના જવાબમાં મીડિયાને કહ્યું કે ચીન-ભારત સીમાના પૂર્વ ભાગ વિશે ચીનનો સ્પષ્ટ મત છે. ચીનની સરકારે કથિત અરુણાચલ પ્રદેશને પણ માન્યતા આપી નથી. તે ચીનના તિબેટ ક્ષેત્રના દક્ષિણ ભાગમાં ભારતીય નેતાની યાત્રાનો વિરોધ કરે છે, કારણ કે તે ચીનની સ્થાનિક પ્રભુતાનું ઉલ્લંઘન છે. સરહદ અંગે ચીન અને ભારતના પક્ષના મુદ્દાને વધુ ગૂંચવણભર્યો બનાવાયો છે. આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી રોકવા અને સીમા ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે નક્કર કાર્યવાહી માટે ચીન વિનંતી કરે છે.’

amit shah national news china