લખીને મૂકી દો, મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશેઃ સંજય રાઉત

02 November, 2019 12:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

લખીને મૂકી દો, મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશેઃ સંજય રાઉત

મુંબઈ : (જી.એન.એસ.) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના અને બીજેપીની વચ્ચે સરકાર બનાવવા માટે ખેંચતાણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એકવાર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેના ઈચ્છે ત્યારે સરકાર બનાવી શકે છે. સંજય રાઉતે આ ઉપરાંત મુખ્ય પ્રધાનપદનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે અને કહ્યું કે મહારાષ્ટ્રની જનતા ઈચ્છે છે કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવસેનાથી હોય. એવું કહીને રાઉતે એ સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવાના મુદ્દે હજી પણ શિવસેના મક્કમ છે.

પ્રજાએ ૫૦-૫૦ ફૉર્મ્યુલાના આધાર પર સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે. જનતા શિવસેનાનો સીએમ ઇચ્છે છે, લખીને મૂકી દો શિવસેનાનો જ સીએમ હશે.

સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું કે ‘સાહેબ! આટલો પણ અહંકાર ન રાખો, સમયના સાગરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા છે. જો કે, આ ટ્વીટમાં કોઈ પણ પ્રકારનું નામ લીધું નહોતું પરંતુ શિવસેના નેતાનો ઇશારો સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી તરફ હતો.
સંજય રાઉતે કહ્યું કે ‘જો શિવસેના એવો નિર્ણય લઈ લે કે સરકાર બનાવવી છે તો તે રાજ્યમાં સ્થિર સરકાર બનાવી શકે છે. મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ આ આધારે આવ્યો છે કે ૫૦-૫૦ની ફૉમ્યુલા પર સરકાર રચાય. જ્યારે જનતા સુધી આ વાત પહોંચી કે પ્રધાનમંડળ માટે ૫૦-૫૦ની ફૉમ્યુલા છે, ત્યારબાદ જનતાએ આ જનાદેશ આપ્યો છે.’ તેઓએ કહ્યું કે રાજ્યના લોકો એવું ઈચ્છે છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના હોય.

શિવસેના પર બીજેપીનો કટાક્ષઃ આખિર તુમ્હેં આના હૈ, જરા દેર લગેગી
નવી દિલ્હી : (જી.એન.એસ.) મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે મુખ્ય પ્રધાનપદને લઈ નિવેદનબાજી જોરદાર ચાલી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉત તરફથી મુખ્ય પ્રધાનપદ પર નિવેદન અપાઈ રહ્યા છે, તો હવે બીજેપીની તરફથી પ્રહારો કર્યા છે. દિલ્હી બીજેપીના પ્રવકતા તેજિંદર પાલસિંહ બગ્ગાએ શુક્રવારના રોજ પોતાના ટ્વિટર પર એક કાર્ટૂન શૅર કર્યું, જે શિવસેના પર કટાક્ષ મનાય છે.

તેજિંદર બગ્ગા તરફથી રજૂ કરાયેલા કાર્ટૂનમાં દેવેન્દ્ર ફડણવીસ એક રિંગ લઈ દેખાઈ રહ્યા છે, તેની સાથે જ તેઓ કહે છે કે ‘આખિર તુમ્હે આના હૈ જરા દેર લગેગી.’ કાર્ટૂનમાં ફડણવીસ એક સિંહ તરફ ઇશારો કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શિવસેના મહારાષ્ટ્રમાં પોતાને સિંહ તરીકે પ્રાયોજિત કરે છે.

sanjay raut national news shiv sena bharatiya janata party