આગામી લોકસભા પૂર્વે NRC લાગુ કરી દેવામાં આવશે : અમિત શાહ

18 October, 2019 11:59 AM IST  |  નવી દિલ્હી

આગામી લોકસભા પૂર્વે NRC લાગુ કરી દેવામાં આવશે : અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એનઆરસી (નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. આસામમાં એનઆરસીની અંતિમ યાદી જાહેર થઈ ગયા બાદ એ ક્યારે લાગુ કરવામાં આવશે એની અટકળો વહેતી થઈ હતી. જોકે આ મુદ્દે ગૃહપ્રધાને વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમિત શાહે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નિશ્ચિત રૂપે ૨૦૨૪ પહેલાં એટલે કે આગામી લોકસભા પૂર્વે એનઆરસી લાગુ કરી દેવામાં આવશે.

તાજેતરમાં એક ભાષણમાં શાહે જણાવ્યું હતું કે જેટલા હિન્દુ છે, ખ્રિસ્તી છે, બૌદ્ધ ધર્મના લોકો છે અને જૈન છે તેઓ તમામ આપણા દેશમાં સુરક્ષિત છે. જોકે તેમણે મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો નહોતો. આ વિશે જ્યારે ગૃહપ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે એ લોકોને પણ નાગરિકત્વ આપીશું એવું મેં જણાવ્યું હતું. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલા દેશમાંથી લઘુમતીઓ પોતાના ધર્મને બચાવવા માટે આ દેશના શરણે આવે છે અને તેઓ હેરાન થઈને આવે છે. જો તેઓ પોતાની માતા-બહેનો અને દીકરીઓના સન્માનને બચાવવા માટે અહીં આવે છે તો તેઓ શરણાર્થી છે, ઘૂસણખોરો નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે જો કોઈ રોજીરોટી માટે આવે છે અથવા કાયદો-વ્યવસ્થા ડહોળવા માટે આવે છે તો તે ઘૂસણખોર હોય છે. તમામ મુસ્લિમ ઘૂસણખોર છે એવું હું નથી કહેતો. તેમના પર ધાર્મિક ત્રાસ આપવાની શક્યતા નથી હોતી. તેની સાથે જ તેઓએ સવાલ પૂછ્યો કે ભાગલા વખતે બન્ને પાકિસ્તાન મળીને ૩૦ ટકા મુસ્લિમો હતા, હવે ૬.૫ ટકા થઈ ગયા, બાકીના ક્યાં ગયા?

હરિયાણાની ચૂંટણીમાં જાટ વિરુદ્ધ નૉન-જાટના મુદ્દા પર અમિત શાહે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં જાતિવાદની રાજનીતિ ૧૦૦ ટકા ખતમ થઈ ગઈ છે. ભારતીય લોકતંત્રને આ રીતે મજબૂતી આપવી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી સિદ્ધિ છે. છેલ્લાં પાંચ વર્ષમાં જાતિવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને તૃષ્ટીકરણથી છુટકારો મેળવવા માટે લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : અયોધ્યા કેસ : ચુકાદો લખવામાં વ્યસ્ત સીજેઆઇ ગોગોઈએ વિદેશપ્રવાસ રદ કર્યો 

અમિત શાહે ભાર આપીને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા પર વિશેષ ધ્યાન આપ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યને ભરપૂર નાણાકીય મદદ પૂરી પાડી છે. કૉન્ગ્રેસના શાસનમાં આવું ક્યારેય નથી થયું. બીજેપીના અધ્યક્ષે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે અમે સત્તામાં પાછા ફરીશું. પાર્ટી રાજ્યમાં બે-તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.

amit shah national news