ડૂબી રહેલા રાજવંશને બચાવવા કેટલા જૂઠાણા?- જેટલીનો કોંગ્રેસ પર હુમલો,

12 February, 2019 07:46 PM IST  |  નવી દિલ્હી

ડૂબી રહેલા રાજવંશને બચાવવા કેટલા જૂઠાણા?- જેટલીનો કોંગ્રેસ પર હુમલો,

ફાઇલ ફોટો

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ એકવાર ફરી બ્લોગ લખીને કોંગ્રેસ પર હુમલો કર્યો છે. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે આખરે એક ડૂબી રહેલા રાજવંશને બચાવવા માટે કેટલા જૂઠાણાઓ બોલવા પડશે? તેમણે કહ્યું કે વિશ્વના મોટાભાગના લોકતંત્રોમાં જે લોકો અસત્યના સહારે આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ પોતે સામાજિક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. જેટલીએ કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે આપણા બદલાતા સામાજિક-આર્થિક પરિવેશમાં ભારતમાં પણ આવું જ થશે.

જેટલીએ કહ્યું કે આધુનિક દુનિયામાં જેટલા પણ રાજકીય વંશ છે, તેમની કેટલીક મર્યાદાઓ છે. આપણો સમાજ હવે આ પ્રકારની વ્યવસ્થાને પસંદ નથી કરતો. આજે લોકો જવાબદારી અને કાબેલિયત પર ભરોસો રાખે છે.

ભારતની સૌથી જૂની પાર્ટી એક વંશની ચુંગાલમાં ફસાઈ ગઈ

જેટલીએ કોંગ્રેસ પર તીવ્ર હુમલો કરતા કહ્યું કે દુઃખની વાત છે કે ભારતની સૌથી જૂની પાર્ટી એક વંશની ચુંગાલમાં ફસાઈ ગઈ છે. તેના ઘણા નેતાઓમાં એટલી હિંમત નથી કે તેઓ આ વંશને સાચા-ખોટાની સમજણ આપી શકે. આ પરંપરાની શરૂઆત 1970માં થઈ હતી. નેતાઓની નોકરવાળી માનસિકતાએ તેમને એ વાત માટે રાજી કરી લીધા કે તેમને ફક્ત એક જ પરિવારના ગુણગાન કરવાના છે. જ્યારે આ વંશ ખોટું બોલે છે ત્યારે બાકીના નેતાઓ પણ તેમની સાથે હામાં હા મેળવે છે.

રાફેલ ડીલને લઈને દરરોજ જૂઠાણા ઘડાય છે

જેટલીએ સવાલ કરતા હોય તે રીતે કહ્યું કે આખરે એક ડૂબી રહેલા વંશને બચાવવા માટે આખરે કેટલા જૂઠાણા બોલવા પડશે. તેમણે મહાગઠબંધન પર નિશાન સાધીને કહ્યું કે અસત્યનો સંક્રમક પ્રભાવ ઘણો મોટો છે. 'મહાજૂઠબંધન'ના તેમના સાથીઓમાં પણ હવે તે દેખાવા લાગ્યું છે. રાફેલ ડીલમાં જ્યાં જનતાના હજાર કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે, તેને બદનામ કરવા માટે દરરોજ જૂઠાણા ઘડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: દર મહિને અપાતી રૂ.500ની મદદ ભવિષ્યમાં વધી શકે છે: જેટલી

CAGને લઈને કરી સ્પષ્ટતા

જેટલીએ કહ્યું કે તાજું જૂઠાણું રાફેલ સંબંધે સંસદમાં રજૂ કરવામાં આવેલા CAG રિપોર્ટને લઈને ફેલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સીએજી 2014-15ના આર્થિક મામલાઓના સચિવ હતા. તે સમયે સૌથી સિનિયર અધિકારી હોવાના કારણે તેઓ નાણાસચિવ પણ હતા. જેટલીએ કહ્યું કે રાફેલ સંબંધિત કોઈપણ ફાઇલ તે સમયે તેમની પાસે નહોતી પહોંચી. કેટલાક વંશવાદી લોકો અને તેમના સાથીઓએ સીએજી પર હુમલો બોલતા પહેલા સુપ્રીમ કોર્ટ પર પણ ટિપ્પણી કરી હતી. એક અખબારમાં છપાયેલા ખોટા રિપોર્ટના આધારે આખી પ્રક્રિયાને કઠેડામાં ઊભી કરવાની કોશિશ કરવામાં આવી. જેટલીએ છેલ્લે લખ્યું કે આખરે એક ડૂબી રહેલા વંશને બચાવવા માટે કેટલા જૂઠાણા બોલવા પડશે?

arun jaitley