CBI વિવાદ: વર્માને રજા પર મોકલતા પહેલા કમિટીની સલાહ કેમ ન લીધી?- CJI

27 December, 2018 01:28 PM IST  |  New Delhi

CBI વિવાદ: વર્માને રજા પર મોકલતા પહેલા કમિટીની સલાહ કેમ ન લીધી?- CJI

આલોક વર્માએ તેમની પાસેથી ડાયરેક્ટર પદનું કામ છીનવાઈ જવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. (ફાઇલ)

સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા પાસેથી કામકાજ પાછું ખેંચી લેવા અને તેમને જબરદસ્તી રજા પર મોકલવાને લઈને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલો કર્યા કે જો સરકાર વર્માને રજા પર જ મોકલવા માંગતી હતી તો સિલેક્શન કમિટીની સલાહ લેવામાં શું વાંધો હતો. આ બાબતે તુષાર મહેતાએ કહ્યું કે કારણકે તેમની ટ્રાન્સફર કરવામાં નહોતી આવી રહી એટલે સિલેક્શન કમિટીની સલાહ લેવામાં નહોતી આવી. તેના પર ફરીથી ચીફ જસ્ટિસે પૂછ્યું કે છતાંપણ એ તો જણાવો કે સિલેક્શન કમિટીની સલાહ લેવામાં વાંધો શું હતો?

ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલે બુધવારે સુનાવણી દરમિયાન આપેલા તર્ક અંગે પણ સવાલ કર્યો. તેમણે કહ્યું કે એજીએ ગત દિવસોમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે ટોચના અધિકારીઓ બિલાડીઓની જેમ સામસામે લડી રહ્યા હતા. ત્યારે તમે લોકો આ થોડાક મહિનાઓ વધુ કેમ સહન ન કરી શક્યા? તેમણે પૂછ્યું કે એવું શું થઈ ગયું હતું કે સરકારે રાતોરાત ડાયરેક્ટરને રજા પર મોકલી દીધા.

ઉલ્લેખનીય છે કે એજીએ કાલે કહ્યું હતું કે સીબીઆઇમાં લોકોનો ભરોસો ટકાવી રાખવા માટે સરકારે મજબૂરીમાં આ મામલામાં દરમિયાનગીરી કરવી પડી. સરકાર તરફથી હાજર થયેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે એમ પણ કહ્યું કે જો સરકાર દખલ ન કરત તો ઈશ્વર જ જાણે કે તેમની લડાઈ ક્યાં જઈને પૂરી થાત.

જણાવી દઈએ કે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ કેન્દર સરકારે બંને અધિકારીઓ પાસેથી કામકાજ પાછું ખેંચીને જોઇન્ટ ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને આંતરિક રીતે સીબીઆઇ ડાયરેક્ટરનું કામ સોંપી દીધું હતું.

આલોક વર્માએ તેમની પાસેથી ડાયરેક્ટર પદનું કામ છીનવાઈ જવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, સંજય કિશન કૌલ અને કેએમ જોસેફની બેંચ સુનાવણી કરી રહી છે.

supreme court