મરી જઈશ પરંતુ સમાધાન નહીં કરું: મમતા, SCમાં કાલે થશે સુનાવણી

04 February, 2019 07:57 PM IST  |  કોલકાતા

મરી જઈશ પરંતુ સમાધાન નહીં કરું: મમતા, SCમાં કાલે થશે સુનાવણી

બીજેપી વિરુદ્ધ ધરણા મામલે મમતા અડીખમ

શારદા ચિટફંડ કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવકુમારની ભૂમિકાની તપાસ માટે પહોંચેલી સીબીઆઇ ટીમ અને પોલીસની વચ્ચે થયેલા ટકરાવ મામલે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. સીબીઆઇએ બંગાળના ચીફ સેક્રેટરી, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નર વિરુદ્ધ દાખલ થયેલી અરજીમાં કહ્યું છે કે અધિકારીઓએ જાણીજોઈને સર્વોચ્ચ અદાલતના આદેશની અવહેલના કરી. જ્યારે બીજી બાજુ રવિવાર રાતના ધરણા પર બેઠેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું જીવ આપવા માટે તૈયાર છું પરંતુ સમાધાન નહીં કરું. આ પહેલા ધરણા દરમિયાન જ મમતાએ પોલીસવાળાઓને સન્માનિત કર્યા. આ દરમિયાન પોલીસ કમિશ્નર રાજીવકુમાર સાથે ઊભા હતા.

મમતાએ કહ્યું, "જ્યારે કેન્દ્રએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને હાથ લગાવ્યો તો હું સડક પર ન આવી. મને એ વાત પર નારાજગી છે કે કેન્દ્રએ એક વરિષ્ઠ પદ (કોલકાતા પોલીસ કમિશ્નર)નું અપમાન કર્યું." દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, મનસેના રાજ ઠાકરે સહિત 9 વિપક્ષીય દળોના નેતાઓએ મમતાનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પણ આ મામલે મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી.

આ પણ વાંચો: મમતા Vs CBI: કોલકાતા પોલીસે CBI જોઈન્ટ ડાયરેક્ટરને મોકલ્યા સમન્સ

મમતાના નિવેદનો

- મમતા બેનર્જીએ કહ્યું, "દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. આજે ઇમરજન્સીથી પણ ખરાબ પરિસ્થિતિ છે. અમારું ધૈર્ય જવાબ દઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર સીબીઆઇ પર કાર્યવાહી કરવાનું દબાણ કરી રહી છે. મોદીએ સીબીઆઇને કહ્યું કંઇક તો કરો."
- "ભાજપ ચોર પાર્ટી છે અમે નહીં. કોલકાતમાં અમારી રેલી પછી મોદી અને અમિત શાહ અમારી પાછળ પડી ગયા છે. ભાજપની એક્સપાયરી ડેટ નજીક છે."
- "પોલીસ કમિશ્નરના ઘર પર છાપામારી અજીત ડોભાલના ઇશારાઓ પર કરવામાં આવી. રાજીવ કુમાર દુનિયાના ઉત્તમ પોલીસ ઓફિસર છે. ચિટફંડ કૌભાંડમાં અમે તપાસ કરી, ધરપકડ પણ થઈ. સીબીઆઇ ટીમ વોરંટ વગર પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી હતી."
- "મારું કામ બધાને સુરક્ષા આપવાનું છે. મોદી વિરુદ્ધ અમારે એક થવાનું છે. મોદીને હટાવીને દેશ બચાવો. આજે દેશના સંઘીય માળખા અને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હું લોકતંત્રને બચાવવા માટે ધરણા પર બેસીશ. કાલે વિધાનસભામાં બજેટ પણ રજૂ નહીં કરું."

mamata banerjee saradha scam