મોદી સરકારને મળી મોટી સફળતા : સ્વિસ બૅન્કના ખાતાધારકોની યાદી મળી

08 October, 2019 11:19 AM IST  |  મુંબઈ ડેસ્ક

મોદી સરકારને મળી મોટી સફળતા : સ્વિસ બૅન્કના ખાતાધારકોની યાદી મળી

નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : (જી.એન.એસ.) વિદેશી ધરતીમાંથી કાળાં નાણાં વિશે માહિતી મેળવવાના મામલે મોદી સરકારે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિટ્ઝરલૅન્ડ સરકારે બૅન્ક-ખાતાઓ સાથે સંબંધિત પ્રથમ માહિતી ભારત સરકારને સોંપી દીધી છે. સ્વિટ્ઝરલૅન્ડ તરફથી સ્વિસ બૅન્કમાં ખોલવામાં આવેલાં ભારતીય ખાતાંઓ વિશેની માહિતી સરકારને સોંપવામાં આવી છે. ભારત સિલેક્ટેડ દેશોમાંથી એક છે જેમને આ માહિતી મળી રહી છે.

સ્વિટ્ઝરલૅન્ડના ટૅક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી માહિતી ૨૦૨૦માં ભારત સરકારને સોંપવામાં આવશે. મળતી માહિતી મુજબ વિશ્વના ૭૫ દેશોનાં સ્વિટ્‌ઝરલૅન્ડમાં લગભગ ૩૧ લાખ ખાતાં છે જે રડાર પર છે જેમાં ભારતનાં ઘણાં ખાતાંઓ સામેલ છે.
સ્વિટ્ઝરલૅન્ડની સરકાર પાસેથી માહિતી મળ્યા પછી સરકારી સૂત્રોનું કહેવું છે કે જે માહિતી મળી છે એમાં તમામ ખાતાં ગેરકાયદે નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલે તપાસ શરૂ કરશે જેમાં ખાતાધારકોનાં નામ, તેમના ખાતાની માહિતી એકત્ર કરવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશમાં જમા કરાયેલું કાળું નાણું પાછું લાવવું એ મોદી સરકાર માટે મોટો મુદ્દો રહ્યો છે, પછી ભલે એ ૨૦૧૪ની ચૂંટણી હોય કે ૨૦૧૯ની ચૂંટણીઓ. જાણકારી એકત્ર કરવા માટે સરકાર તરફથી સતત સ્વિટ્ઝરલૅન્ડની સરકાર સાથે સંપર્ક કરાઈ રહ્યો હતો ત્યારે હવે કાળાં ધનની સામે મોદી સરકારને સફળતા મળી છે.

આની પહેલાં જૂન ૨૦૧૯માં સ્વિસ નૅશનલ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે સ્વિસ બૅન્કોમાં ભારતીયો દ્વારા થાપણોમાં ઘટાડો થયો હતો. ૨૦૧૮ના આંકડા અનુસાર, ભારતીયોના ૬૭૫૭ કરોડ રૂપિયા જ સ્વિસ બૅન્કોમાં જમા છે. જોકે એમાં કેટલું કાળું ધન છે અને કેટલું નહીં, એની જાણકારી સ્વિસ બૅન્કો તરફથી આપવામાં આવી નથી.

gujarat narendra modi national news