ઝારખંડમાં વડા પ્રધાન માટે પાંચ સ્તરનો સુરક્ષા-બંદોબસ્ત

02 January, 2019 08:54 AM IST  | 

ઝારખંડમાં વડા પ્રધાન માટે પાંચ સ્તરનો સુરક્ષા-બંદોબસ્ત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચમી જાન્યુઆરીએ ઝારખંડના મેદિનીનગરની મુલાકાત વખતે કડક સલામતી બંદોબસ્તની જોગવાઈ કરવામાં આવી છે. પાંચ સ્તરીય સુરક્ષાના ભાગરૂપે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના જવાનો ગઈ કાલે સાંજથી મેદિનીનગરમાં કાર્યક્રમના સ્થળે ગોઠવાઈ ગયા હતા. એ સ્થળે મોબાઇલ ફોન જૅમર ગોઠવવામાં આવ્યું છે. CCTV અને બૉડી-સ્કૅનર ઉપરાંત મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ સિક્યૉરિટી ચેક પૉઇન્ટ રાખવામાં આવશે.

CCTVનું મૉનિટરિંગ જિલ્લા-પ્રશાસન ઉપરાંત SPG પણ કરશે. કાર્યક્રમના સ્થળની ચાર સેક્ટર્સ અને ૪૮ ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. ત્યાં જિલ્લા-પોલીસને સહયોગ આપવા માટે અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવશે. બે IAS અને અને ત્રણ PCS અમલદારો અને પાંચ IPS અમલદારોને નિયુક્ત કરવામાં આવ્યા છે.

શનિવારે વડા પ્રધાનના કાર્યક્રમના અનુસંધાનમાં પલામુ ઝોનલ હેડક્વૉર્ટરમાં કાળા રંગનાં કપડાં પહેરીને જવા પર અને કાળી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૅરાટીચર્સ વડા પ્રધાન સામે કાળા વાવટા ફરકાવે એવી શક્યતાને ધ્યાનમાં રાખતાં આવા પ્રતિબંધક આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પલામુ ડિવિઝનના સુપરિન્ટેન્ડેન્ટના સ્તરેથી નાયબ કમિશનર્સને પત્રો લખીને પલામુ, છત્રા, લાતેહર અને ગઢવા જિલ્લામાં જતા વિવિધ વિભાગોના કર્મચારીઓ કે અન્ય લોકો કાળા રંગના કપડાં કે અન્ય ચીજો લઈને ન જાય એની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે જતા કર્મચારીઓ કે અન્ય લોકોએ તેમનાં આઇડેન્ટિટી કાર્ડ લઈને જવાનું રહેશે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં પહોંચનારા લોકોને કાળાં પૅન્ટ, શર્ટ, કોટ, કાળી ચાદર, શાલ, સ્વેટર, મફલર, ટાઇ, શૂઝ અને મોજાં પહેરીને હાજર ન રહેવા વિશે આગોતરી સૂચના આપવામાં આવશે. કાળા રંગની બૅગ કે પર્સ પણ સાથે રાખી નહીં શકાય. કાર્યક્રમને સંબંધિત કર્મચારીઓ કે લોકોને તેમનૂં કોઈ પણ આઇડેન્ટિટી કાર્ડ સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવરદાસના અગાઉના પલામુના પ્રવાસના અનુસંધાનમાં પણ કાર્યક્રમના સ્થળે કાળા રંગના કપડાં સાથે પ્રવેશ નકારવામાં આવ્યો હતો. અધિકારીઓ અને પ્રેક્ષકો બન્ને માટે કાળા રંગના કપડાં અને વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

narendra modi jharkhand national news