કુમારસ્વામી ભાજપના વિધાનસભ્યોને પૈસા અને પ્રધાનપદની લાલચો આપે છે

18 January, 2019 08:02 AM IST  | 

કુમારસ્વામી ભાજપના વિધાનસભ્યોને પૈસા અને પ્રધાનપદની લાલચો આપે છે

ભાજપના કર્ણાટક એકમના પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પર ભાજપના વિધાનસભ્યોને પક્ષપલટો કરાવવા માટે પૈસા અને પ્રધાનપદની લાલચો આપવાનો આરોપ મૂક્યો હતો. રાજ્યમાં બે અપક્ષ વિધાનસભ્યોએ સમર્થન પાછું ખેંચતાં ગઠબંધન સરકાર ડામાડોળ થયા પછીની પરિસ્થિતિમાં સત્તાધારી ગઠબંધનના સભ્યપક્ષો કૉંગ્રેસ અને જેડીયુ તરફથી ભાજપ સામે હૉર્સ-ટ્રેડિંગના આરોપોના જવાબમાં યેદિયુરપ્પાએ વળતા આરોપો મૂક્યા હતા.

કૉંગ્રેસ ના ત્રણ-ચાર વિધાનસભ્યો ભાજપના કેટલાક વિધાનસભ્યોની સાથે સોમવારે મુંબઈ પહોંચ્યા પછી ર્હોસ-ટ્રેડિંગના આરોપો ઊછળ્યા હતા. દરમ્યાન ગુડગાંવના રિસૉર્ટમાં મોકલવામાં આવેલા ભાજપના વિધાનસભ્યોએ ગઈ કાલે જણાવ્યું હતું કે અમે કૉંગ્રેસ - જેડીયુ ગઠબંધનના પક્ષપલટો કરાવવાના પ્રયાસોથી ડરીને અહીં નથી આવ્યા, અમે લોકસભાની આગામી ચૂંટણી લડવાનો વ્યૂહ ઘડવા આવ્યા છીએ.

ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવા પ્રયત્નશીલ હોવાના કૉંગ્રેસ ના આરોપોને યેદિયુરપ્પાએ રદિયો આપ્યો હતો. ત્યાર પછી યેદિયુરપ્પાએ સત્તાધારી કૉંગ્રેસ અને જેડીયુ તરફથી ભાજપની છાવણીમાં ભાંગફોડના પ્રયાસોનો આરોપ મૂક્યો હતો. એ આરોપને જેડીયુના નેતા કુમારસ્વામીએ ઊપજાવી કાઢેલો ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ ચાલુ છે કર્ણાટકનું નાટકઃ શું પડી ભાંગશે કુમારસ્વામીની સરકાર?

ઑપરેશન લોટસ સ્થગિત

કૉંગ્રેસ ના વિધાનસભ્યોના આવશ્યક સંખ્યામાં રાજીનામાં નહીં મળતાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ પક્ષના વિધાનસભ્યો સમક્ષ ‘ઑપરેશન લોટસ’ બંધ કરવાની જાહેરાત કરી હતી. કૉંગ્રેસ ના અનેક અસંતુષ્ટ વિધાનસભ્યોએ છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાં ભરીને રાજીનામાં નહીં આપનાર હોવાનો અહેસાસ થતાં યેદિયુરપ્પાએ એ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે ‘પક્ષના મોવડીમંડળને જેડીયુઅને કૉંગ્રેસ ના ઓછામાં ઓછા ૧૬ વિધાનસભ્યોનાં રાજીનામાં જોઈતાં હતાં. ૧૨ વિધાનસભ્યો રાજીનામાં આપનાર હોવાનો શનિવાર સુધી આત્મવિશ્વાસ હતો, પરંતુ એ લોકો છેલ્લી ઘડીએ પાછા ખસી ગયા.’

karnataka bharatiya janata party congress