બીજેપીએ મંગળવારે શપથવિધિ માટે વાનખેડે સ્ટેડિયમ બુક કર્યું

02 November, 2019 12:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

બીજેપીએ મંગળવારે શપથવિધિ માટે વાનખેડે સ્ટેડિયમ બુક કર્યું

મુંબઈ : રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે શિવસેના રોડાં નાખી રહી હોવા છતાં બીજેપીએ પાંચમી નવેમ્બરે મંગળવારે નવી સરકારની શપથવિધિ માટે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ બુક કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજેપીએ બીસીસીઆઇની મંજૂરી મેળવ્યા બાદ સ્ટેડિયમ બુક કરાવ્યું છે. ૯ નવેમ્બરે અત્યારની સરકારનો કાર્યકાળ પૂરો થતો હોવાથી એ પહેલાં નવી સરકારનું ગઠન થઈ જવું જોઈએ એને ધ્યાનમાં રાખીને બીજેપીએ આ નિર્ણય લીધો હોઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ અને રાજ્યના અધિકારીઓએ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. એ પહેલાં નવી સરકારની શપથવિધિ માટે મહાલક્ષ્મીમાં આવેલું રેસકોર્સ મેદાન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ મુંબઈ પોલીસે એ સ્થળની ના પાડતાં વાનખેડે સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે શિવસેના તરફથી હજી સુધી સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. સત્તાની ફૉર્મ્યુલા બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફેરવી તોળતાં બીજેપી-શિવસેનાની સ્થાપના કરવા બાબતની બેઠક શિવસેનાએ ત્રણ દિવસ પહેલાં રદ કરી હતી. એ પછી બીજા દિવસે ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે તેઓ ૫૦-૫૦ ટકાની ફૉર્મ્યુલામાં કોઈ સમજૂતી નહીં કરે. આમ કહીને તેમણે પહેલી વાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આથી બન્ને પક્ષના સંબંધ વણસ્યા છે.
શુક્રવારે શિવસેનાના નેતા સંજય રાઉતે એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી એ પહેલાં ગુરુવારે રાતે સરકાર બનાવવા બાબતે શરદ પવાર અને ઉદ્વવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાનું મનાય છે. જોકે એનસીપીના નેતા અજિત પવારે શિવસેના સાથે સરકાર બનાવવા બાબતે ઇનકાર કરવાની સાથે ગઈ કાલે કૉન્ગ્રેસ દ્વારા પણ શિવસેના સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આવી પરિસ્થિતિમાં ૨૮૮ બેઠકમાંથી સૌથી વધુ ૧૦૫ બેઠક મેળવનાર બીજેપી અને મહાયુતિમાં સામેલ શિવસેનાએ સત્તામાં બેસવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. બીજેપી દ્વારા નવી સરકારની રચના કરાયા બાદ શિવસેનાને મનાવી લઈને પ્રધાનમંડળની સ્થાપના કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.

bharatiya janata party shiv sena national news wankhede