અયોધ્યા કેસઃ માત્ર 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, બીજી ઑગસ્ટથી દરરોજ સુનાવણી

19 July, 2019 10:34 AM IST  |  નવી દિલ્હી

અયોધ્યા કેસઃ માત્ર 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, બીજી ઑગસ્ટથી દરરોજ સુનાવણી

સુપ્રીમ કોર્ટ

અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે અગત્યનો નિર્ણય સંભળાવ્યો. ગુરુવારે મધ્યસ્થતા કમિટીના રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની સંવેધાનિક બેન્ચે મધ્યસ્થતા કમિટીને ૩૧ જુલાઈ સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ બીજી ઑગસ્ટે બપોરે બે વાગ્યે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થશે. એટલે કે બીજી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે નિર્ણય લેશે કે આ કેસનો હલ મધ્યસ્થતાથી કઢાશે કે દરરોજ સુનાવણી થશે.

આપને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસના એક પક્ષકાર ગોપાલ સિંહ વિશારદ ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ મગાવ્યો. ગુરુવારે મધ્યસ્થતા કમિટીએ પોતાના રિપોર્ટને કોર્ટમાં રજૂ કર્યો. આ પ્રગતિ રિપોર્ટને સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન બેન્ચે જોયો. બેન્ચે મીડિએશન કમિટીને ૩૧ જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

હાલમાં જ આ કેસના એક પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મધ્યસ્થતા સમિતિ સામે આંગળી ચીંધી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે મધ્યસ્થતા સમિતિના નામે વિવાદ ઉકેલાય એવી સંભાવના ખૂબ જ ઓછી છે કેમ કે આનાથી માત્ર સમય વેડફાઈ રહ્યો છે. તેથી કોર્ટ મધ્યસ્થતા સમિતિનો ભંગ કરીને પોતે કેસની સુનાવણી કરીને વિવાદનો અંત લાવે.

૧૧ જુલાઈએ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન મધ્સ્થતાને સમાપ્ત કરવાની માગ ફગાવી હતી તેમ જ મધ્યસ્થતા સમિતિને ૨૫ જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ સુપરત કરવા આદેશ આપ્યો હતો. જોકે હવે આજરોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મધ્યસ્થતા સમિતિએ ૧ ઑગસ્ટ સુધીમાં અંતિમ રિપોર્ટ સોંપવાનો રહેશે.

કોર્ટે આ કેસના ઉકેલ માટે ૮ માર્ચે એક સમિતિની રચના કરી હતી. સમિતિમાં ભૂતપૂર્વ જસ્ટિસ એફ. એમ. ખલિફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ છે. મે માસમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની બેન્ચે મધ્યસ્થતા સમિતિને વિવાદના ઉકેલ માટે ૧૫ ઑગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. બેન્ચે આદેશ કર્યો હતો કે તેઓ આઠ અઠવાડિયાંમાં વિવાદનો ઉકેલ લાવે અને સમગ્ર વાતચીત કૅમેરાની સામે કરવામાં આવે.

આ પણ વાંચો : આસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો

અરજી કરનાર ગોપાલ સિંહના વકીલ પી.એસ. નરસિમ્હાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ સામે કહ્યું હતું કે આ વિવાદ છેલ્લાં ૬૯ વર્ષથી ચાલી રહ્યો છે અને વિવાદનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલી મધ્યસ્થતા કમિટીનું વલણ હકારાત્મક જોવા મળતું નથી. ૧૧ સંયુક્ત સત્ર આયોજિત કરી લેવામાં આવ્યાં છે, પરંતુ એવું લાગે છે કે કોઈ નિર્ણય આવશે નહીં. આ વિવાદનો મધ્યસ્થતા કમિટી દ્વારા ઉકેલ લાવવો મુશ્કેલ છે.

supreme court ayodhya national news