PM મોદીની ગિફ્ટની હરાજી, 5 લાખમાં વેચાઈ લાકડાની બાઈક

10 February, 2019 09:12 PM IST  |  નવી દિલ્હી

PM મોદીની ગિફ્ટની હરાજી, 5 લાખમાં વેચાઈ લાકડાની બાઈક

5 લાખમાં વેચાયું લાકડાનું બાઈક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા 1800થી વધુ સ્મૃતિચિહ્નોની હરાજીનું કામ એક પખવાડિયાની લાંબી કવાયત પછી પૂરું કરી લેવામાં આવ્યું. આ જાણકારી વડાપ્રધાન ઓફિસે (PMO) રવિવારે આપી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેના માધ્યમથી કેટલા પૈસા ભેગા થયા છે. ઉલ્લેખનીય છે કે આ પૈસાનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા ગંગા સફાઈ માટે ચલાવવામાં આવી રહેલા નમામિ ગંગે અભિયાનમાં થવાનો છે.

નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ (NGMA)માં આયોજિત હરાજી દરમિયાન ખાસ કરીને દસ્તકારીવાળી લાકડાની બાઈક માટે પાંચ લાખ રૂપિયાની સફળ બોલી લાગી. પીએમ મોદીને રેલવે પ્લેટફોર્મ પર દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગ પણ એટલા જ પૈસામાં ખરીદવામાં આવ્યું.

વડાપ્રધાન ઓફિસ દ્વારા જાહેર થયેલા એક નિવેદન પ્રમાણે, હરાજી માટે ભગવાન શિવજીની એક પ્રતિમાને પણ રાખવામાં આવી હતી. તેની બેઝપ્રાઇઝ પાંચ હજાર રૂપિયા હતી, પરંતુ તે 200 ગણી વધુ કિંમત એટલે કે દસ લાખ રૂપિયામાં વેચાઈ.

અશોકસ્તંભની લાકડાની પ્રતિકૃતિ જેની બેઝપ્રાઇઝ 4000 રૂપિયા રાખવામાં આવી હતી, તેને 13 લાખ રૂપિયામાં એક વ્યક્તિએ ખરીદી. આસામ રાજ્યનું પારંપરિક પ્રતીક 'હોરઈ'ની બેઝપ્રાઈઝ બે હજાર રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ તે 13 લાખ રૂપિયામાં વેચાઈ.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા દરેકનો સંબંધ કોંગ્રેસ સાથે જ કેમ: PMનો સવાલ

ભગવાન ગૌતમ બુદ્ધની એક પ્રતિમા જેની બેઝપ્રાઈઝ ચાર હજાર રૂપિયા રાખવામાં આવી હતી તે સાત લાખ રૂપિયામાં વેચાઈ. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન મળેલા સ્મૃતિચિહ્નોની પણ હરાજી કરવામાં આવી હતી. તેનાથી મળેલા પૈસાનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ માટે કરવામાં આવ્યો હતો.

narendra modi