આસામ NRC લિસ્ટઃ આજે ૪૧ લાખ લોકોના ભાગ્યનો નિર્ણય થશે

31 August, 2019 07:38 AM IST  |  નવી દિલ્હી

આસામ NRC લિસ્ટઃ આજે ૪૧ લાખ લોકોના ભાગ્યનો નિર્ણય થશે

 નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ(એનઆરસી)ની છેલ્લી યાદી શનિવારે પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર બાદ આસામના ૪૧ લાખ લોકોના ભાગ્યનો નિર્ણય થશે કે તેઓ દેશના નાગરિક છે કે નહીં. આસામ પોલીસ અને સરકારે રાજ્યમાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પોલીસે લોકોને જણાવ્યું છે કે, કેટલાક અસામાજિક તત્વો એનઆરસીને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે જેથી લોકો આના પર ધ્યાન આપે નહીં.

કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજ્યમાં કડક સુરક્ષા ગોઠવી દીધી છે. આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે લોકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે. કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરતાં પહેલાં આસામમાંથી સીઆરપીએફની ૫૫ કંપની હટાવવામાં આવી હતી. જો કે હવે સરકારની વિનંતી પર ૫૧ કંપની તહેનાત કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આસામમાં એનઆરસી બહાર પાડવાના સમય દરમ્યાન શાંતિ અને વ્યવસ્થા રાખવા સુરક્ષા સઘન કરવામાં આવી છે.

એનઆરસીને રાજ્યમાં નાગરિકોને ગેરકાયદે બંગલા દેશીઓથી બચાવવા માટે સુરક્ષાકવચ અને આસામની ઓળખના પુરાવા તરીકે જોવામાં આવે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઈને સુપ્રીમ કોર્ટ હેઠળ અંદાજે ચાર વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી ૩૧ ઑગસ્ટના રોજ સામે આવશે.

ગત ૩૧ જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલી એનઆરસી ડ્રાફ્ટમાં ૪૦.૭ લાખ લોકોનાં નામ યાદીમાંથી બહાર કરવામાં આવ્યાં હતાં. ત્યાર પછી ૨૬ જૂન ૨૦૧૯ના રોજ એક વધુ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો જેમાં અંદાજે એક લાખ વધુ લોકોનાં નામ યાદીમાંથી બહાર કરવામાં આવ્યાં હતાં. આમ કુલ ૩.૨૯ કરોડ અરજીમાંથી ૨.૯ કરોડ લોકોને એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય

આ ફાઈનલ એનઆરસી લિસ્ટ ૩૧ જુલાઈએ પ્રકાશિત થવાનું હતું, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઑથોરિટીએ તેને ૩૧ ઑગસ્ટ સુધી લંબાવી દીધું હતું. આ પહેલાં ૨૦૧૮માં ૩૦ જુલાઈએ એનઆરસીનો ફાઈનલ ડ્રાફ્ટ આવ્યો હતો. યાદીમાં નામ ન હોય તેવા લોકોને વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

assam national news