મોદી સરકારનો ભાગ નહીં હોય અરૂણ જેટલી, પત્ર લખી આપી માહિતી

29 May, 2019 02:12 PM IST  |  દિલ્હી

મોદી સરકારનો ભાગ નહીં હોય અરૂણ જેટલી, પત્ર લખી આપી માહિતી

અરૂણ જેટલી (File Photo)

બીમારી સામે લડી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અરૂણ જેટલીએ પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે. પત્રમાં અરૂણ જેટલીએ લખ્યું છે,'છેલ્લા 18 મહિનાથી બીમાર છું, મારી તબિયત ખરાબ છે. એટલે મને મંત્રીપદ આપવા પર વિચાર ન કરો.'

અરૂણ જેટલીએ પત્રમાં લખ્યું છે,'તમારી આગેવાનીમાં 5 વર્ષ કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. આ પહેલા પણ મને NDA સરકારમાં જવાબદારી અપાઈ હતી. સરકાર ઉપરાંત સંગઠન અને વિપક્ષના નેતા તરીકે મને મહત્વની જવાબદારી સોંપાઈ હતી. હવે મને કશું નથી જોઈતું.'

 

પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને જેટલીએ લખ્યું,'છેલ્લા 18 મહિનાથી હું ગંભીર બીમારીથી પીડાઉ છું. ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ તમે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે મેં ઔપચારિક રીતે તમને કહ્યું હતું કે આરોગ્યના કારણે હું ભવિષ્યમાં કોઈ જવાબદારી લેવામાં અસમર્થ છું. મારે મારી સારવાર અને આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. ભાજપ અને એનડીએએ તમારા નેતૃત્ત્વમાં શાનદાર જીત મેળવી છે. કાલે નવી સરકાર શપથ લેવાની છે.'

વધુમાં અરૂણ જેટલી એ લખ્યું છે,'હું તમને ઔપચારિક રીતે અનુરોધ કરી રહ્યો છું કે મને સારવાર અને આરોગ્ય માટે યોગ્ય સમય જોઈશે એટલે હું નવી સરકારમાં કોઈ જવાબદારી લેવા નથી માંગતો. તેના પછી નિશ્ચિત રીતે મારી પાસે ઘણો સમય હશે, જેમાં હું અનૌપચારિક રીતે સરકાર કે પાર્ટીમાં કોઈ પણ યોગદાન આપી શકીશ.'

આ પણ વાંચોઃ શપથગ્રહણમાં મોદીના મહેમાનોને પીરસવામાં આવશે આ પકવાન

સોફ્ટ ટિશ્યુ કેન્સરથી પીડાય છે જેટલી

ગત વર્ષે મેમાં અરૂણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. બાદમાં જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યુ કેન્સરનું નિદાન થયું હતું. જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા ગયા હતા. હાલ તેઓ કિમોના દોરમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. જેને કારણે જેટલી ખૂબ જ નબળા પડી ગયા છે. ગત સપ્તાહે તેમને એઈમ્સમાં ભરતી કરાવાયા હતા, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

arun jaitley narendra modi national news