અપના દલે PM મોદીના ગાજીપુર કાર્યક્રમનો કર્યો બહિષ્કાર

29 December, 2018 11:52 AM IST  |  લખનઉ, UP

અપના દલે PM મોદીના ગાજીપુર કાર્યક્રમનો કર્યો બહિષ્કાર

અનુપ્રિયા પટેલ અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના સહયોગી દળોએ પોતાના તેવર બતાવવાના શરૂ કરી દીધા છે. શનિવારે ગાજીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં અપના દલ સામેલ નહીં થાય. અપના દલમાંથી મોદી સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલ દિલ્હી એરપોર્ટથી પાછી ફરી ગઈ છે. અપના દલ ઉપરાંત આ કાર્યક્રમમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીમાં પણ હિસ્સો નહીં લે. આ બંને પાર્ટીઓ બીજેપીની આગેવાની વાળી એનડીએનો હિસ્સો છે.

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ગાજીપુર જઈ રહ્યા છે. અહીંયા તેઓ એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. સાથે જ મહારાજા સુહેલદેવ પર ટપાલ ટિકિટ જાહેર કરશે. ત્યારબાદ પીએમ આરટીઆઇ મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. મોદીના આ કાર્યક્રમનો યુપીની બીજેપી સરકારમાં મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટપાલ ટિકિટ પર મહારાજા સુહેલદેવ રાજભરનું આખું નામ તેના પર અંકિત થયેલું નથી. આ તેમનું અપમાન છે. આમ કહીને તેમણે પણ પીએમ મોદીની રેલીથી કિનારો કરી લીધો છે.

ત્યારે હવે અપના દલ પણ મોદીના આ કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. અપના દલે ઉત્તરપ્રદેશના તમામ સરકારી કાર્યક્રમોથી પોતાને દૂર કરવાનું એલાન કર્યું છે. તેની પાછળ અપના દલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનુપ્રિયા પટેલના પતિ આશિષ પટેલને વડાપ્રઘાનના સ્વાગત કાર્યક્રમોથી દૂર રાખવામાં આવેલા, તેને મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે. તેની સાથે જ એનડીએથી લોકસભા સીટ્સને લઈને ચાલી રહેલા તેના વિવાદનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અપના દલ મોદી અને યોગી સરકારના સરકારી કાર્યક્રમોનો હિસ્સો નહીં રહે.

narendra modi bharatiya janata party